બેઠક/ ભાજપ સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક કરી,CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

આજે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતમાં રાજ્યમાં તથા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત વિવિધ પ્રકલ્પોની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી

Top Stories Gujarat
4 2 15 ભાજપ સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક કરી,CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

આજે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતમાં રાજ્યમાં તથા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત વિવિધ પ્રકલ્પોની એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા.

શાહે રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પર્યાવરણ જાળવવા સાથે ગરમી-તાપમાનથી રાહત માટે ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન ઉપાડવા તાકિદ કરી આ સંદર્ભમાં તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ અને વન વિભાગના જરૂરી સંકલન પર ભાર મૂક્યો હતો. શાહે 2036માં યોજાનારા ઓલિમ્પિક્સની રાજ્ય સરકારે શરૂ કરેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન નિહાળીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની સુવિધાઓ ઉપરાંત ખેલાડીઓને મોટા પાયે રહેણાક તેમજ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે હેતુસર અમદાવાદ મહાનગર પાલિકા અને રાજ્ય સરકારના રમતગમત વિભાગને ડિઝાઈન તૈયાર કરવા સૂચવ્યું હતું. શાહે આ ઉપરાંત ગરીબોને પોતીકા ઘરનું સ્વપ્ન સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના, અમદાવાદ-સાબરમતી રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ અને કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટાડવા રેલવે તંત્ર અન્ય વૈકલ્પિક સ્ટેશનો વિકસાવી રહ્યું છે, તેની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ઓપરેશન્સ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને અન્ય સુવિધાઓની અદ્યતન સ્થિતિની વિગતો મેળવી હતી અને તેને વધુ સંગીન બનાવવાનાં સૂચનો કર્યાં હતાં.આ ઉપરાંત તેઓએ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દેશમાં સૌથી વધુ વિકસિત લોકસભા ક્ષેત્ર બને તે દિશામાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં આવતા અમદાવાદ શહેરના વિસ્તારોમાં તળાવોના રિડેવલપમેન્ટ, ઈન્ટરલિન્કિંગ અને નર્મદાના પૂરના વધારાના પાણી પાઈપલાઈનથી મુખ્ય ત્રણ- સોલા, ખોરજ અને કાળી ગામનાં તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.
એટલું જ નહીં, આ તળાવોમાં ભરાતો કાંપ, માટી-કચરો દૂર કરવા દરેક ચોમાસા પછી ડિસિલ્ટિંગ પણ મહાનગર પાલિકા દ્વારા થાય તે સુનિશ્ચિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

 શાહે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગેની તથા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણકાર્યમાં પ્રગતિની પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી.
શાહે અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમ જ ગ્રામવિકાસ એજન્સી, પુરવઠા તંત્ર સાથે વિસ્તૃત બેઠકો યોજીને આવાસ યોજના, રેલવે ઓવરબ્રિજ-અન્ડરબ્રિજના કામો, લેક બ્યુટિફિકેશન વગેરેના પ્રગતિ હેઠળના અને ભવિષ્યલક્ષી આયોજનોના પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરીને સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે દિશાનિર્દેશો આપ્યા હતા.કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ફ્લેગશીપ પ્રોજેક્ટસ સહિતના બધા જ વિકાસકામો ત્વરાએ પૂરા થાય તેમ જ ગુણવત્તા જળવાઈ રહે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.આ તબક્કે મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેનશ્રી એસ.એસ. રાઠોરે ગૃહમંત્રીશ્રીને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલની હાથ ધરાઈ રહેલી તબક્કાવારની કામગીરીની વિગતો પણ આ બેઠક દરમિયાન આપી હતી.