સુરેન્દ્રનગર/ ચોટીલાના નાવા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં છાત્રાર્પણ સમારંભ યોજાયો

અદ્યતન શાળાના નિર્માણ થકી વાદી સમાજના બાળકોને શિક્ષણ મળી રહેશે

Gujarat Others
Untitled 343 ચોટીલાના નાવા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં છાત્રાર્પણ સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા ખાતે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ભવનનો કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં છાત્રાર્પણ સમારંભ યોજાયો હતો. જાણીતા હાસ્ય કલાકાર અને લેખક જગદીશભાઈ ત્રિવેદીની પ્રેરણાથી ઇન્ડિયન ફેમિલી એસોસિએશન કેનેડાના સહયોગથી રૂપિયા ૧૧ લાખના ખર્ચે નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અદ્યતન શાળાના નિર્માણ થકી વાદી સમાજના બાળકોને શિક્ષણ મળી રહેશે. તેઓના બાળકો શિક્ષિત બની પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે માટે આવી શાળાઓનું નિર્માણ કરવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાદી સમાજની અંદર રહેલા કૌશલ્યને બહાર લાવવા માટે આવી શૈક્ષણિક સવલતો ઉપયોગી સાબિત થશે.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા પૂજ્ય માધવપ્રિય સ્વામિ અને પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યુ હતુ કે, જગદીશ ત્રિવેદીએ સેવાની કેડી કંડારી છે, એ ભવિષ્યમાં રાજમાર્ગ બનશે.

આ કાર્યક્રમમાં જગદીશ ત્રિવેદીના ચોથા વર્ષની આવક અને જાવકનો હીસાબ આપતું પુસ્તક “સેવાનું સરવૈયું ભાગ-૪“ નું વિમોચન પણ મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિન પેથાણી અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ તેમજ અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.