IPL 2023/ રોમાંચક મેચમાં હૈદરાબાદે છેલ્લા બોલે રાજસ્થાનને હરાવ્યું

રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આ મેચમાં આરઆરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા

Top Stories Sports
12 6 રોમાંચક મેચમાં હૈદરાબાદે છેલ્લા બોલે રાજસ્થાનને હરાવ્યું

આઈપીએલ 2023ની 52મી મેચ રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આ મેચમાં આરઆરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા જેના જવાબમાં હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા અને 4 વિકેટે મેચ જીતી લીધી હતી.

આ સિઝનમાં હૈદરાબાદની આ ચોથી જીત છે. 215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત પણ સારી રહી હતી. ઓપનર અભિષેક શર્મા અને અનમોલપ્રીત સિંહે પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી હતી. હૈદરાબાદની પ્રથમ વિકેટ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પડી હતી. અનમોલપ્રીત 25 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને શિમરોન હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

આ પછી અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી વચ્ચે બીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. હૈદરાબાદને 13મી ઓવરના ચોથા બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. ઓપનર અભિષેકે 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. આર અશ્વિને તેને ચહલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્રીજી વિકેટ માટે રાહુલે ક્લાસેન સાથે 41 રન જોડ્યા. ચહલે 16મી ઓવરના 5માં બોલ પર હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે ઝડપી બેટિંગ કરી રહેલા હેનરિક ક્લાસેનને બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. ક્લાસને 12 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ નાની ઇનિંગ્સમાં તેણે 2 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. ચહલની શાનદાર સ્પિન 18મી ઓવરમાં જોવા મળી હતી. બીજા બોલ પર તેણે રાહુલ ત્રિપાઠીને પેવેલિયન મોકલી દીધો. ત્રિપાઠી 29 બોલમાં 47 રન બનાવીને યશસ્વી જયવાલના હાથે કેચ આઉટ થયો હતો. ઓવરના 5માં બોલ પર ચહલે એડન માર્કરામને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તેણે 5 બોલમાં 6 રન બનાવ્યા હતા. છેલ્લી બે ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 41 રનની જરૂર હતી. કુલદીપ યાદવની આ ઓવરના પહેલા ચાર બોલ પર ગ્લેન ફિલિપ્સે 22 રન બનાવ્યા હતા. તે 5મા બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 7 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે 17 રનની જરૂર હતી.

અબ્દુલ સમદ અને માર્કો જોન્સન ક્રીઝ પર હાજર હતા. છેલ્લા બોલ પર હૈદરાબાદને જીતવા માટે 5 રનની જરૂર હતી. સંદીપે નો બોલ કર્યો. સમદે ફ્રી હિટ પર સિક્સ મારીને પોતાની ટીમને જીત અપાવી. સમદ 7 બોલમાં 17 રન અને જોન્સને 2 બોલમાં 3 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ લીધી હતી. તેમના સિવાય કુલદીપ યાદવ અને આર અશ્વિને 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.