Not Set/ જો તમે હસશો તો બધાં જ તમારી સાથે હસશે, પરંતુ જો તમે રડશો તો…

હસે તેમનું ઘર વસે બાકી તો મુંજીના ઘરે કૂતરા ય ન ભસે. હાસ્ય તો હાથવગું, હોઠવગું, સસ્તું અને સ્વાસ્થ્યપ્રદ ટોનિક છે. છતાં ચહેરા પર ચપટીક સ્માઈલ ચમકાવવામાં રેશનીંગ કેમ ચાલે છે !?

Trending
nilesh dholakiya જો તમે હસશો તો બધાં જ તમારી સાથે હસશે, પરંતુ જો તમે રડશો તો...

હસે તેમનું ઘર વસે બાકી તો મુંજીના ઘરે કૂતરા ય ન ભસે. હાસ્ય તો હાથવગું, હોઠવગું, સસ્તું અને સ્વાસ્થ્યપ્રદ ટોનિક છે. છતાં ચહેરા પર ચપટીક સ્માઈલ ચમકાવવામાં રેશનીંગ કેમ ચાલે છે !?પ્રાચીનકાળમાં જેનો ઈજારો માત્ર વૃદ્ધોનો જ હતો એવા સંધિવા, કટિવા, કંપવા જેવા ‘વા’ના રોગો હવે કાચી ઉંમરનાને પણ હાઈજેક કરી રહ્યા છે. આ બધા ‘વા’થી બચવા “‘હસવા’”નું સેવન કરો.

સાવ અમથે અમથુ કોણ હસે !? ગાંડા ? ભેજુ ચસકી ગયુ હોય એવા ભેજાગેપ ? માનસિક અસ્થિર ? ના વ્હાલા, ના. કોઈ પણ કારણ વિના નિ:સ્વાર્થ ને નિર્લેપ રીતે નિર્ભેળ હસવાની ક્ષમતા તથા બહાદૂરી માત્ર “બાળક”માં જ હોય છે – તેથી જ તેઓ હંમેશા તરોતાજા, કોમળ, ફુલગુલાબી, શીતળ ને સૌને પ્યારા લાગે તેવા અનોખા હોય છે, રહે છે. બાળત્વચા સુંવાળી ને તેજોમય રહેવાનું પ્રાથમિક કારણ : બનાવટ કે મિલાવટ વિનાની તેમની સજાવટ. છે ને કુદરતની કરામત !

આજે તમે કેટલી વખત હસ્યા ? શું કહ્યું ? તમે આજે એકવખત પણ હસ્યા નથી ? કેટલાક પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી શ્રી થોબડુ ચડાવ ઉદાસી મહારાજજી એવા હોય છે કે જેઓ મહિને (એકાદ વખત) હસી લેતા હશે – કદાચ ! અચૂક હસી લેતા લોકો એ વાતથી અજાણ હશે કે ખડખડાટ હસ્યા પછી આંખોના ખૂણામાં ‘શુદ્ધ આંસુઓ’ પણ આવે છે. ઘણી વાર વિચાર આવે છે કે વ્યક્તિએ મેળવેલી સિદ્ધિઓ, કીર્તિઓ, ડિગ્રીઓ, પૈસાઓ તેમને થોબડા ચડાવ શંકર – દીવેલ પીધેલા બનાવે છે. “પ્રજા”નો હેપ્પીનેસ ઈન્ડેક્સ ધીરે ધીરે આ જ રીતે નીચે આવી રહ્યો છે. વાંચવામાં આવેલી રસપ્રદ વાત કરવી છે, આજે.

નામ પ્રમાણે ગુણો ન હોય તો હસવાનું નહીં !? મગજના ફાટેલા એવા મનસુખ, શરીરે પત્તી ગયેલા તનસુખ, કંગાળ કે કોઈને ત્યાં daily-wages પર કામ કરતા ધનસુખ, આખી જિંદગી દીવેલીયુ ડાચુ રાખીને ગૂંગળાતા હસમુખ, કોઈ વાતનું હખ ન ભાળે એવા હરસુખ, જમ જેવા જમાઈ જયસુખ, ગંદા ગોબરા વિમલ, અડીયલ સુબોધ, કાળી ડિબાંગ કાયાના માલિક ધવલ/શ્વેતલ, ધતુરાના ફુલ જેવા કમલ, વમળમાં નિર્મલ, અશ્લિલવાણીના ભરથાર સલિલ, જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવી દે તેવા થોડાક પ્રકાશ, બૂઝાયેલી વાટ જેવા દીપક, કાળી મેશ જેવા સુમેશ…..! આવા તો (બે-ઘડી ગમ્મત ખાતર) કંઈ કેટલાય નામોનો ઉલ્લેખ કરી આનંદ માણી શકાય. મારા પોતાના તમામ અવયવોની સુરક્ષા તેમજ હિતને ધ્યાને લઈ કોઈ દેવી-નારીઓનું નામ જ લીધુ નથી. બોલો હું કેવો શાણો !?

કદાચ – સદાય, થોડું ઓછું ભણેલા – જેમ કે, દૂધ-શાક-કરિયાણું વેચવાવાળા ભણેલાં – ગણેલાં કરતા વધારે હસમુખા હોય છે. વધારે મોજમાં હોય છે. ભાવતુ દાબીને જલસો કરતા હોય છે. કોઈ વખત હીરાઘસુને તેમના શેઠ ઘચકાવે કે છૂટું બ્રશ મારે (નવી નક્કોર ગાલીપ્રદાન હોય, તે તો વધારામાં) તો પણ એ થોડીવારમાં ધીરેધીરે હસવાનું શરૂ કરી દે. સાંજ સુધીમાં તો ‘ઈ પાર્ટી ફૂલ મોજમાં હોય. અરે લે’રિયું કરતી હોય. સાંજે કારખાનું બંધ થાય એટલે એ રસ્તામાં બધાંને કહેતા ફરે કે, “આજે શેઠે શેઠાણીની બધી દાઝ મારા ઉપર ઉતારી. બાકી આપણા શેઠ તો બહુ ભોળા છે. આપણા શેઠ બિચારા શેઠાણીના દાબમાં રેય છે – શેઠ તો સફરજન છે સફરજન. પછી તમે જ કો’ કે શેઠને ક્યાંક તો ખીજાવું પડે કે નૈ !? ઈવડા ઈ, આપણી ઉપર ખીજાઈને મન હળવું કરી લે બિચારા. હવે તમે જ ક્યો કે માણસને ક્યાંક તો હળવું થાવું કે નૈ !?!”

જો તમે હસશો તો બધાં જ તમારી સાથે હસશે, પરંતુ જો તમે રડશો તો તમારે એકલાને જ રડવું પડશે. તેજ, તરવરાટથી હસતા હસતા પણ જીવન વિતાવી શકાતુ હોય તો પછી દુઃખી થઈને શા માટે રહેવું ? જીવનને સુંદર રીતે પસાર કરવુ જોઈએ. આનો અર્થ એવો નથી કે આપણે જીવનમાં કોઈ વાત/પ્રસંગને ગંભીરતાથી મહત્વ ન આપીએ. ગંભીરતાને પણ જીવનમાં સ્થાન હોય છે. જીવન પણ એટલું છીછરું ન હોવુ જોઈએ કે આપણે હાંસી પાત્ર બનીએ. જે લોકોની જાતિમાં કે પરિવારમાં ફૂટ પડી હોય અને ભયંકર વિખવાદ ચાલતો હોય તે ભલે ડનલોપ ઉપર પોઢે પણ તેમને ઊંઘ આવતી નથી, કારણ કે આવા કલહ અને વિખવાદથી તેમના મન ખિન્ન થઈ ગયેલા હોય છે. તેમના માટે હાસ્ય ઉપચાર જરૂરી માનવો.

હસવાનું તો આપણી નજરે શોધી લેવાનું હોય છે – એ જ એની ફરજ છે. પ્રેમમાં સ્વાર્પણ છે, શરણાગતિ છે, ત્યાગ છે. પ્રેમી પોતાના પ્રેમનો પ્રિયતમ તરફ ત્યાગ કરે અને પ્રિયતમ પ્રેમી તરફ, એટલે “પ્રિયતમ પ્રેમી અને પ્રેમી પ્રિયતમ” અર્થાત્ પ્રેમીનો પ્રેમ પ્રિયતમ તરફ જતા તે પ્રિયતમ પ્રેમી બની જાય છે અને પ્રિયતમનો પ્રેમ પ્રેમી તરફ જતા પ્રેમી પ્રિયતમ બની જાય છે. પ્રેમપંથમાં આ અદલાબદલીનો પ્રવાહ વણથોભ્યો વહ્યો જાય છે, પ્રેમી અને પ્રિયતમના સ્વાર્પણ, શરણાગતિ, ત્યાગ અને પ્રેમની અવિરત – અસ્ખલિત તેજપ્રભા પ્રસરાવતો રહે છે. માટે જ પ્રેમનું અવિનાશિત્વ સિધ્ધ બને છે. પ્રેમમાં પણ ક્રમ હોય છે અને એ ક્રમ પ્રમાણે જ પ્રેમની પ્રતિષ્ઠા અને વૃધ્ધિ થયા કરે છે ! માથુ ભમી ગયુ !? હસો અથવા થોડા આઘા ખસો.

મારી પોસ્ટને કોઈ અત્યારે લાઈક, કોમેન્ટ રીસ્પોન્સ આપતું નથી. પણ જ્યારે હું નહીં હોઉં ને ત્યારે મારી બિનહયાતીમાં, મારા માટે આવી વાતો થતી રહેશે : સદગત્ બહુ જ ઉમદા જીવ હતા, હંમેશાં ‘ઑનલાઈન’ રહેતા.
ફેસબુક પર તેઓ કોઈની ‘રિક્વેસ્ટ’ એક્સેપ્ટ ન્હોતા કરતા કારણ કે તેઓને fb માં નહીં – bf બનવામાં જ દિલચશ્પી રહેતી. કોઈના ય માટે ખરાબ ‘કમેન્ટ’ કરતા નહીં. એમની બધી ‘પોસ્ટ્સ’ બહુ જાનદાર રહેતી અને એમણે આજીવન કોઈને ય‘બ્લોક’ કર્યા નહીં, એટલું જ નહીં સહેલી અથવા દોસ્તોની ‘સેલ્ફીઝ’ને પણ દિલ ખોલીને ‘લાઈક્સ’ આપતા. અમીરો સાથે ‘શેર’ કરતા તથા ગરીબોને ‘ટૅગ’ કરતા. વોટ્સએપ પર પણ તેમનું યોગદાન અમૂલ્ય હતું. દરેકના મોબાઈલ પર ૨૫-૫૦ mb વિડીયો ન મોકલે ત્યાં સુધી તેઓ અન્નજળ લેતા નહીં. છેલ્લી ઘડી સુધી તેઓ પોસ્ટ્સનું જ રટણ કરતાં તેઓ વોટ્સએપમય થઇ ગયા. પ્રભુને એટલી જ પ્રાર્થના કે સદગત્ જ્યાં હોય ત્યાં તેમને ફોન મળે, 4G/5G નું સ્પીડી ઈન્ટરનેટ મળે, સૌની ખુબ લાઈક્સ મળે
ને તેઓના વોટ્સએપમય થતાં સુધી તેઓ વોટ્સએપ ચાલુ રાખે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્યાત્માને નિત્ય ઓનલાઈન રાખે તેવી પ્રાર્થના.

હસતા રહેવું, હસાવતા રહેવું ને ન ગમે તેવી બાબતોને હસી કાઢવું. નિખાલસતા, ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી –
એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ તો માત્ર આંખોને બદલે સરળ વાતો હ્રદય સુધી પહોંચતા કોઈના ગમને કમ કરી શકાય. નૂતન વર્ષ ૨૦૨૨ની યાત્રા જ હસવાથી થાય એવી wish છે.