Gujarat/ અમદાવાદમાં PM મોદીએ રૂ.2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને કર્યો સમર્પિત

પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે,સરદાર પટેલની જયંતી…

Top Stories Ahmedabad Gujarat
PM Modi at Ahmedabad

PM Modi at Ahmedabad: પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે,સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર બે રુટનું બ્રોડ ગેજમાં પરિવર્તન જ નથી થયું, પરંતુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો દિલ્હી અને ઉત્તર ગુજરાત સાથે જોડશે અને એને પરિણામે અનેક તકોનું સર્જન થશે. આજે ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં વિકાસનાં તમામ ક્ષેત્રની ગતિ અને શક્તિ વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.  2014 પહેલાં રેલવે સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની થઈ રહેલી ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે જે બે રુટનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ થયું છે, એ કાર્ય દાયકાઓથી અપેક્ષિત હતું. આ બ્રોડ ગેજ રૂપાંતરણથી અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું છે. ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે આજે બહુ મોટો દિવસ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

PM મોદીએ જણાવ્યું કે, બ્રોડગેજ વિનાની રેલ્વે લાઇન એકલા ટાપુ જેવી હોય છે જેમ નેટવર્ક વિના કમ્પ્યૂટર અને મોબાઇલ અધૂરા છે તેમજ બ્રોડ ગેજ કનેક્ટિવિટી વિના રેલ ક્ષેત્ર અધૂરૂ છે. આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજના પરિણામે સમગ્ર રેલ્વે કનેક્ટીવીટીનું વિસ્તૃતિકરણ થયું છે. અગાઉ આ રૂટની ટ્રેનો અન્ય રાજ્યોમાં નહોતી જઇ શકતી અને અન્ય રાજ્યોની ટ્રેનો પણ આવતી ન હતી, જે આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજ લાઇનના પરિણામે સરળ અને શક્ય બનશે.

મીટર ગેજની લાઇન બ્રોડ ગેજમાં પરિણમે ત્યારે નવીન વિકાસની તકો લઇ આવે છે, તેમ જણાવતાં વડાપ્રધાનશ્રી એ કહ્યું કે, જેતલસરમાં ગેજ પરિવર્તનનું કામ રેલ્વે કનેક્ટિવિટીને સરળ બનાવશે. અહીંથી નિકળેલી ટ્રેન દેશના કોઇપણ હિસ્સામાં જઇ શકશે તેમ તેમણે વધુમાં કહ્યું હતુ. આજે લોકાર્પણ થયેલ પ્રોજેક્ટની વિગતો આપતા વડાપ્રધાનશ્રી એ કહ્યું કે, અસારવાથી ઉદયપુરની 300 કિ.મી.ની લાંબી લાઇન બ્રોડગેજ પરિણમવા થી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રને દિલ્હી અને ઉતર ભારતથી જોડશે, જેનાથી અમદાવાદ અને દિલ્હી માટે વૈક્લિપ રૂટ પણ ઉપલબ્ધ થશે. ઉપરાંત કચ્છ અને ઉદયપુરના પ્રવાસન સ્થળો વચ્ચે સીધી રેલ્વે કનેકટિવીટી સ્થાપિત થવાથી કચ્છ, ઉદયપુર, ચિત્તોઢગઢ અને નાથદ્વારાના  પર્યટન સ્થળોને પ્રોત્સાહન મળશે. વધુમાં હિંમતનગરના ટાઇલ્સ ઉધોગ સહિત આ રૂટના અન્ય ક્ષેત્રોમાં પણ કાર્યરત ઓધૌગિક એકમોને વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં અત્યાર સુધીમાં રેલ્વે કનેક્ટિવિટી સીમિત હતી તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રી એ જણાવ્યું કે, દાયકાઓ સુધી ગુજરાતના રેલ્વે કનેક્ટીવીટીને પરીપૂર્ણ કરવા માટે રાહ જોવી પડી છે. આજે જેતલસર ખંડ સંપૂર્ણરીતે બ્રોડગેજમાં પરિવર્તિત થતાં ભાવનગર અને અમરેલીના લોકોને સોમનાથ અને પોરબંદરથી સીધી કનેક્ટિવીટીનો લાભ મળશે. ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકોના પરિવહનનું  અંતર અને સમય પણ ઘટશે. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ , પોરબંદર માં એક વૈક્લિપ રૂટના રૂપમાં ઉપલબ્ઘ બનશે.

PM મોદીએ ડબલ એન્જિનની સરકારની શક્તિ વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકાર એક થઇને કામ કરે ત્યારે શક્તિ ડબલ નહીં પરંતુ અનેક ગણી થાય છે. ગુજરાતમાં રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે થઇ રહેલ વિકાસ તેનું જવલંત ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. 2014 પહેલા ગુજરાતમાં નવા રેલ્વે રૂટ માટે કેન્દ્ર સરકારમાં વારંવાર જવું પડતું હતું તેની વાત કરતા PM મોદીએ કહ્યું કે ગુજરાતમાં અન્ય વિકાસ ક્ષેત્રોની જેમ જ અન્યાય થતો હતો. પરંતુ છેલ્લા 8 વર્ષમાં ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં વિકાસની રફ્તાર વધી છે. વર્ષ 2009થી 2014 માં ગુજરાતમાં રાજ્યમાં 125 કિ.મી. રેલરૂટનું જ રૂપાંતરણ થયું હતુ જેની સાપેક્ષે 2014થી 2022માં 550 કિ.મી. રેલ્વે લાઇનનું ડબલીંગ થયું છે.

PM મોદીએ ગુજરાતમાં અમદાવાદ સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવીને  આગામી સમયમાં સોમનાથ, ભુજ, સુરત સ્ટેશનનો પણ નવા અવતારથી વિકાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ. ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ થતા દેશના સૌથી મહત્વના ઔધોગિક કોરિડોરને વેગ મળ્યો છે . પશ્ચિમ રેલ્વે ના વિકાસને નવા આયામો આપવા માટે સરકારે 12 ગતિ શક્તિ કાર્ગો ટર્મીનલ યોજના પણ કાર્યાન્વિત કરી છે. જેના અંતર્ગત વડોદરામાં પહેલું ગતિ શક્તિ કાર્ગો ટર્મીનલ પ્રોજેક્ટ શરૂ થયો છે. આજે દેશમાં સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેના સંદર્ભમાં  ગુજરાતમાં મેટ્રો ટ્રેન , એઇમ્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રચકચર દેશના વિકાસને નવી દિશા આપી રહ્યાં છે. દેશમાં કનેક્ટીવીટી અને ઇન્ફ્રાસ્ટકચરના વિકાસના એપ્રોચમાં બદલાવ આવ્યો છે.  આજે  ગુજરાતમાં પરિવહનના દરેક માધ્યમમાં આંતરિક રીતે એકબીજા સાથે જોડાઇ રહ્યાં છે. રેલ, બસ અને મેટ્રોની સુવિધા અમદાવાદમાં એક બીજા થી જોડવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે જેમાં ઔધોગિક ક્ષેત્રે લોજીસ્ટીક કોસ્ટ મોટો વિષય હતો. જેને આજે રેલ્વે, હાઇવે, એરપોર્ટ અને પોર્ટની કનેક્ટીવીટીની સરળ કરવામાં આવ્યું છે. ગુજરાતના પોર્ટને સશક્ત બનાવવામાં આવી રહ્યાં છે, પોર્ટની ક્ષમતા બમણી થઇ રહી છે જેની અસર સમગ્ર દેશના વિકાસ પર દેખાઇ રહી છે. વેસ્ટ્રન કોરિડોર થી ગુજરાતના પોર્ટને દેશના અન્ય  હિસ્સાઓ થી જોડવામાં આવી રહ્યા છે.સાગરમલા યોજના અંતર્ગત સંપૂર્ણ કોસ્ટ લાઇનમાં રસ્તા બનાવવમાં આવી રહ્યાં છે.

અમૃત કાળમાં પણ વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય સાથે સૌને એક જૂથ થઇને કાર્ય કરવાનો વડાપ્રધાનશ્રી એ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અમદાવાદ ખાતે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી રેલ પરિવહનના વિકાસને નવી ગતિ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ (અસારવા) -ઉદયપુરની 299 કિલોમીટર લાંબી બ્રોડગ્રેજ પરિવર્તિત લાઇન રૂપિયા 2482.38 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેના થકી અમદાવાદથી ઉદયપુર વચ્ચે રેલ માર્ગે સીધી પરિવહન સેવા ઉપલબ્ધ બનશે. અમદાવાદ અને દિલ્હીનો એક વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ બનશે. ગુજરાતના ઉત્તરપૂર્વીય ભાગ અને દક્ષિણ રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રોના સામાજીક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

જ્યારે લુણીધાર-જેતલસરની 58 કિલોમીટરની ગેજ પરિવર્તિત લાઇન રૂપિયા 452 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેના પરિણામે અમદાવાદની સાથે પોરબંદર અને વેરાવળની કનેક્વિટી માટે એક વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ બનશે. ભાવનગરથી પોરબંદર અને વેરાવળની મુસાફરીમાં લાગતા સમયમાં અંદાજિત સાડા પાંચ કલાકનો ઘટાડો થશે. આ નવી લાઇનથી ગુજરાતના અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના સામાજીક અને આર્થિક વિકાસમાં મદદ મળશે. તદઉપરાંત ગીર અભ્યારણ, સોમનાથ મંદિર, દીવ, ગીરનારની પહાડીઓ જેવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: Morbi/ એ ભૂલ જેને કારણે મોરબીનો પુલ ખરાબ રીતે તૂટી ગયો, અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ કહ્યું…