ગુનાખોરી/ જમાલપુરમાં ઉછળી તલવારો, લુખ્ખાઓના હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઇજા

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. નજીવી બાબતમાં હિંસક હુમલાના કિસ્સા બની રહ્યા છે. વિસ્તારમાં નવા નવા અસામાજિક તત્વોએ પોતાનું માથું ઉચક્યું છે જેને લઈને લોકોની અંદર પોલીસની કામગીરીની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરની જો વાત કરીએ તો ગઈ કાલે મોડી સાંજે જમાલપુર દરવાજા પાસે જાહેર […]

Ahmedabad Gujarat
crime જમાલપુરમાં ઉછળી તલવારો, લુખ્ખાઓના હુમલામાં બે વ્યક્તિને ગંભીર ઇજા

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. નજીવી બાબતમાં હિંસક હુમલાના કિસ્સા બની રહ્યા છે. વિસ્તારમાં નવા નવા અસામાજિક તત્વોએ પોતાનું માથું ઉચક્યું છે જેને લઈને લોકોની અંદર પોલીસની કામગીરીની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તાજેતરની જો વાત કરીએ તો ગઈ કાલે મોડી સાંજે જમાલપુર દરવાજા પાસે જાહેર માર્ગ ઉપર ત્રણ અસામાજિક તત્વોએ હાથમાં તલવારો લઈને ભારે આતંક મચાવ્યો હતો. બે લોકોને અંગત અદાવતમાં તલવારના ઘા મારીને સમગ્ર વિસ્તારમાં પોતાનો રોફ જમાવવા માટે જાહેર રોડ ઉપર બેફામ દાદાગીરી દેખાડી હતી. લોહીલુહાણ બનેલા બંને યુવકોને આસપાસના લોકોએ પ્રાઇવેટ વાહનમાં વીએસ હોસ્પ્ટિલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. ગાયકવાડ હવેલી પોલીસે ત્રણેય લુખ્ખાઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં જુનેદ ખાન પઠાણે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે કે જમાલપુરનો કુખ્યાત બાલમ ખાનનો પુત્ર હમજા ખાન અને ગુલબાઝ ખાન તેમજ અન્ય એક વ્યક્તિ બિલાલ ખાન આ ત્રણેય જણાએ જૂની અદાવતને ધ્યાને રાખીને ફરિયાદી સાથે નવેસરનો ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને તેમના ભાઈ અરબાઝને ગંદી ગાળો બોલીને જાહેર માર્ગ ઉપર ભારે આતંક મચાવ્યો હતો. એટલુંજ નહિ ત્રણેય આરોપીઓએ હાથમાં તલવારો લઈને બંને યુવકો ઉપર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં અરબાઝ અને જુનેદને તલવારના અનેક ઘા વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. આસપાસના લોકોએ પ્રાઇવેટ વાહનમાં બંને યુવકોને બેસાડીને વીએસ હોસ્પ્ટિલમાં લઇ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ બંનેની સારવાર કર્યા બાદ ફરિયાદીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ત્રણેય લુખ્ખાઓ વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર નોંધાવી હતી. હાલ, પોલીસ આ મામલે ત્રણેય ઈસમો સામે જીવલેણ હુમલો કરીને મહાવ્યથા પહોંચાવાની કાર્યવાહી હાથ ધરી હતી.