પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ વેશપલટો કરી ગોધરા મામલતદાર કચેરીમાં સ્ટિંગ ઓપરેશન કરીને હડકંપ મચાવી દીધો છે. આ ઓપરેશનમાં મામલતદાર કચેરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. પહેલાના સમયમાં રાજાઓ વેશપલટો કરીને પ્રજા વચ્ચે જતા હતા. જેમાં તેઓ તેમનું રાજ્ય યોગ્ય રીતે ચાલે છે કે નહિ તે વિશે છુપી રીતે નિરીક્ષણ કરતા અને આ રીતે પ્રજાની પડતી કેટલીય સમસ્યાઓનું નિરાકરણ આવતું હતું. રાજાશાહી ગઈ અને સરકારી તંત્ર આવ્યું. કારભાર બદલાયો, પણ પ્રજાની સમસ્યાનું હવે કોઈ નિરાકરણ આવતું નથી.
સામાન્ય અરજદાર બનીને કચેરીમાં પહોંચેલા અધિકારીએ જોયું કે અહીં અરજદારો પાસેથી ઝેરોક્ષ, સ્ટેમ્પ અને રેશનકાર્ડના નાણાંના બહાને વધારાના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. સામાન્ય અરજદારની જેમ સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો.
અધિકારીએ જોયું કે ઝેરોક્ષ માટે રૂ.1ના બદલે રૂ.5 અને સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૂ.50ના સ્ટેમ્પના રૂ.60 લેતા અને રૂ.100ના સ્ટેમ્પના રૂ.120 લેતા હોવાની હકીકત સામે આવી હતી. ઝેરોક્ષ અને સ્ટેમ્પ માટે નિયત કિંમત કરતાં વધારે પૈસા લેવામાં આવી રહ્યા હતા.
જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં હતી. આ સમગ્ર મામલે મામલતદાર કચેરીના કર્મચારીઓ અને સ્ટેમ્પ વેન્ડર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડ્યો છે.
આ પણ વાંચો: પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ, અધિકારીએ કર્યો પર્દાફાશ
આ પણ વાંચો: પંચમહાલમાં ગોધરા GIDC માંથી શંકાસ્પદ સફેદ પાઉડર જપ્ત
આ પણ વાંચો: પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
