Not Set/ સુરેન્દ્રનગરમાં, સોસાયટીમાં દુર્ગંધ મારતા પાણીથી દેકારો તો કેટલાક વિસ્તારોમાં અનિયમિત પાણી વિતરણ

વઢવાણ શિયાણીની પોળ બહાર નવા વાલ્મીકીવાસમાં ગટરના ગંદા પાણી ઘરમાં આવી જતા હોવાથી સ્થાનીક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે

Gujarat
Untitled 313 14 સુરેન્દ્રનગરમાં, સોસાયટીમાં દુર્ગંધ મારતા પાણીથી દેકારો તો કેટલાક વિસ્તારોમાં અનિયમિત પાણી વિતરણ

સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેને લઇને હોબાળો મચ્યો છે. ત્યારે રતનપરની એક સોસાયટીમાં નળમાંથી દુર્ગંધ મારતું પાણી આવતા નાગરિકોને હાલાકી વધી છે. સુરેન્દ્રનગર શહેર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અગવડતાને લઇને અનેક ફરીયાદો ઉઠી રહી છે. કયાંક પૂરતું પાણી નથી આવતુ તો કયાંક પાણીની રેલમછેલ થાય છે. રતનપરની સંજીવની સોસાયટીના રહીશોને આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરીયાદો ઉઠી છે.

આ અંગેની વધુમાં મળતી વિગત એવી છે કે, રતનપર સંજીવની સોસાયટીમાં ખરાબ પાણી આવી રહ્યું છે. ગુરૂ દતાત્રેય મંદિર પાસે બ્લોક નં. 15 થી 21માં રહેતા આશરે 6 થી 7 ઘરના રહીશો નળમાં આવતા દુર્ગંધ યુકત પીવાના પાણીથી પરેશાન થઈ ગયા છે.

રહીશોએ જણાવ્યું કે, પાણી દુર્ગંધ મારતુ આવતું હોવાથી પી શકાતુ નથી. આ અંગે વોર્ડનાં એન્જીનીયરને તેમજ નગરપાલીકામાં અવાર-નવાર રજૂઆત કરી છે છતા ઉકેલ આવતો નથી. આ અંગે રહીશોએ ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી પ્રશ્નો ઉકેલ લાવવા માંગણી કરી છે. છેલ્લાં ઘણાં સમયથી રતનપર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો અનિયમિત થઇ રહ્યો છે. નાગરિકોને વાસ મારતું પાણી પીવાની ફરજ પડી રહી છે. પીવાના પાણી મુદ્દે વઢવાણમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વઢવાણ શિયાણીની પોળ બહાર નવા વાલ્મીકીવાસમાં ગટરના ગંદા પાણી ઘરમાં આવી જતા હોવાથી સ્થાનીક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનીક રહીશોએ આ પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. તેમજ જો નિરાકરણ નહિં આવે તો પ્રતિક ઉપવાસ આંદલન શરૂ કરવાની ચીમકી આપી છે.

રહીશો માટે આ પાણીનો નિકાલ કરવાનું કપરૂ બને છે અને રોગાચાળો ફેલાવાની દહેશત રહે છે. આ બાબતે અગાઉ પણ નગરપાલીકા તંત્રને મૌખીક અને લેખીત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ ગંભીર સમસ્યાના નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે સ્થાનીક રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે. આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ ન આવે તો રહીશો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.