ક્રિકેટ/ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વરસાદ બન્યો ભારત માટે વિલન, મેચ થઇ ડ્રો

ટેસ્ટના અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 157 રનની જરૂર હતી, પરંતુ સતત વરસાદના કારણે પાંચમા દિવસે એક પણ બોલની રમત શક્ય બની નહી

Sports
england ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વરસાદ બન્યો ભારત માટે વિલન, મેચ થઇ ડ્રો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. ટેસ્ટના અંતિમ દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 157 રનની જરૂર હતી, પરંતુ સતત વરસાદના કારણે પાંચમા દિવસે એક પણ બોલની રમત શક્ય બની નહી.ટી બ્રેક બાદ અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યું અને મેચ રદ્દ જાહેર કરી. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન જો રૂટની સદીની મદદથી આટલો સ્કોર થયો હતો, ઇંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં 303 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહે મેચમાં 9 વિકેટ ઝડપી હતી જ્યારે ટીમ ઇન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી હતી.

પાંચમા દિવસે વરસાદ ભારત માટે વિલન બન્યો હતો જેના લીધે ભારતના હાથમાંથી વિજ્ય થતાં રહી ગયું. ચોથા દિવસની રમત બાદ ભારત મજબૂત સ્થિતિમાં દેખાતું હતું અને ટીમને જીતવા માટે 157 રનની જરૂર હતી. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે રમી શક્યા ન હતા અને માત્ર 183 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 4 અને મોહમ્મદ શમીએ પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના 183 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 278 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે 95 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી કેએલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 56 રન બનાવ્યા હતા. ઈંગ્લિશ ટીમ માટે બોલિંગમાં ઓલી રોબિન્સને પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી, જ્યારે જેમ્સ એન્ડરસને ચાર ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

બીજા દાવમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે શાનદાર બેટિંગ કરતા 109 રનની સદી ફટકારી હતી, જેના કારણે ઇંગ્લેન્ડ બીજા દાવમાં 303 રન બનાવી શક્યું હતું. બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ફોર્મમાં દેખાયો હતો અને તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં 9 વિકેટ લીધી હતી, જ્યારે ભારતના બાકીના ઝડપી બોલરોનું પ્રદર્શન પણ મેચમાં બેજોડ હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે રમાશે.