સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનને પુનઃજીવિત કરવાના પ્રયાસમાં આજે એટલે કે બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટકરાશે, ત્યારે બધાની નજર ટીમ કોમ્બિનેશન પર રહેશે. ખાસ જોવા મળશે કે, પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેલા સિનિયર ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને અફઘાનિસ્તાન વિરુદ્ધ તક મળે છે કે નહી.
આ પણ વાંચો – T20 World Cup / નામિબિયા વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ઓપનિંગ જોડીએ તોડ્યો શિખર-રોહિતનો રેકોર્ડ
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ભારતીય ટીમનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. જો કે તેની પાછળનું કારણ ટીમ ઈન્ડિયા પોતે જ છે. બીજી તરફ અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવવા ઉપરાંત પાકિસ્તાનને હારનાં આરે લઈ ગયું હતું, પરંતુ આસિફ અલીએ એક ઓવરમાં ચાર સિક્સર ફટકારીને તેમની પાસેથી જીત છીનવી લીધી હતી. હવે મોહમ્મદ નબી અને રાશિદ ખાન પોતાની ટીમનાં દાવાને મજબૂત કરવા માટે ભારત સામે T20 લીગમાં રમવાના તેમના તમામ અનુભવનો ઉપયોગ કરવા માંગશે. આજની મેચમાં દરેકનું ધ્યાન ટીમ સિલેક્શન પર રહેશે. આ ફોર્મેટમાં છેલ્લી ત્રણ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવા જઈ રહેલા કોહલી પાસેથી વધુ સારી ટીમ સિલેક્શનની આશા રાખવામાં આવશે. અશ્વિન જેવા બોલરને બહાર રાખવાના નિર્ણય પર વારંવાર સવાલ ઉઠી રહ્યા છે. વિશ્વ ક્રિકેટમાં એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે વર્તમાન પેઢીનાં સૌથી સફળ ખેલાડીઓમાંથી એકને છ મહિના સુધી ટીમમાં સામેલ કરવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી નથી. ચાર વર્ષ પછી, તેને મર્યાદિત ઓવરોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને જો સૂત્રોનું માનીએ તો કોહલી તેની તરફેણમાં નહોતો. કોહલીએ પ્લેઈંગ ઈલેવનમાં અશ્વિનને તક ન આપવાના નિર્ણયને ક્રિકેટ વર્તુળોમાં જિદ્દી માનવામાં આવી રહ્યુ છે. વરુણ ચક્રવર્તીની નિષ્ફળતાએ સાબિત કરી દીધું છે કે અનુભવનો અર્થ શું છે. કૌશલ્ય અને પ્રતિભાની દ્રષ્ટિએ ભારતનાં વર્તમાન સ્પિનરોમાંથી કોઈ પણ અશ્વિનની નજીક પણ નથી. તેની વિરુદ્ધ એક જ વાત છે કે તે ચાર વર્ષ પહેલા સતત પ્રદર્શન ન કરી શકવાને કારણે ટીમની બહાર થઈ ગયો હતો.
આ પણ વાંચો – મોટા સમાચાર / યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા સારા સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi
જો કે આજની મેચમાં ટીમમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે. હવે ભારતને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન સામે તેના અનુભવની જરૂર છે. અફઘાનિસ્તાનનાં ઓપનર હઝરતુલ્લા ઝાઝાઈ અને મોહમ્મદ શહઝાદ તેની બોલિંગનો સામનો લગભગ કરી શકશે નહીં. જો કોહલી ફરી એકવાર અશ્વિનની અવગણના કરશે તો બાહ્ય અને આંતરિક અવાજો ઉઠવા લાગશે કે આ નિર્ણય પાછળનું કારણ ક્રિકેટ સંબંધિત છે કે નહીં. અફઘાનિસ્તાન માટે નવો બોલ સંભાળનાર બોલર હામિદ આસન અને નવીનુલ હક જ્યારે તેમનો દિવસ હોય ત્યારે સારું પ્રદર્શન કરી શકે છે પરંતુ કેએલ રાહુલ અને રોહિત શર્માનો પડકાર તેમના માટે મુશ્કેલ હશે. બે ખરાબ મેચો પછી, રોહિત અને રાહુલ પુનરાગમન કરવા માટે પ્રયત્ન કરશે. સૂર્યકુમાર યાદવ જ્યારે ફિટ થશે ત્યારે રમશે અને હાર્દિક પંડ્યાની જગ્યાએ ઈશાન કિશનને પણ લાવવામાં આવી શકે છે. પંડ્યા બે મેચમાં 35 બોલમાં 31 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન સામે રાશિદ અને ગુલબદ્દીન નાયબ વચ્ચેની ઓવરો નિર્ણાયક રહેશે, જેને ધ્યાનથી રમવી પડશે. આ એક એવી મેચ છે જેમાં જો ભારત જીતે તો તેને કોઈ જ શ્રેય નહીં મળે અને જો તે હારશે તો ટીકાનો સૂર વધુ જોરથી ઉઠશે અને કેપ્ટન કોહલી તેનાથી અજાણ નથી.