T20 World Cup/ નામિબિયા વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ઓપનિંગ જોડીએ તોડ્યો શિખર-રોહિતનો રેકોર્ડ

કેપ્ટન બાબરે 49 બોલમાં સાત ચોક્કાની મદદથી 70 રન બનાવ્યા અને આઉટ થયો પરંતુ રિઝવાન સાથેની ભાગીદારીમાં તેણે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

Top Stories Sports
રિઝવાન-બાબર

મોહમ્મદ રિઝવાન (અણનમ 79) અને કેપ્ટન બાબર આઝમ (70)ની શાનદાર ઇનિંગ્સનાં કારણે પાકિસ્તાને મંગળવારે અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહેલા ICC T20 વર્લ્ડકપનાં સુપર 12માં નામિબિયાને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમા 45 રનથી પાકિસ્તાને મેચ જીતી હતી. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ અને રિઝવાનની ફરી એકવાર ટીમ માટે ઓપનિંગ જોડી તરીકે 86 બોલમાં 113 રનની લાંબી ભાગીદારી જોવા મળી હતી.

આ પણ વાંચો – મોટા સમાચાર / યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા સારા સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi

આપને જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન બાબર અને રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી. ટીમનો સ્કોર 13 ઓવરમાં 101 રન સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન કેપ્ટન બાબરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી કેપ્ટન બાબરે 49 બોલમાં સાત ચોક્કાની મદદથી 70 રન બનાવ્યા અને આઉટ થયો પરંતુ રિઝવાન સાથેની ભાગીદારીમાં તેણે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. બાબર આઝમ અને રિઝવાને પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી, જેની સાથે બન્નેએ ઘણા ખાસ રેકોર્ડ બનાવ્યા હતા. આ તેના કેટલાક રેકોર્ડ છે જે આ મેચમાં બન્યા હતા.

પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી

1. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન – 5 વખત

2. શિખર ધવન અને રોહિત શર્મા – 4 વખત

3. માર્ટિન ગુપ્ટિલ અને કેન વિલિયમસન – 4 વખત

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 1000 રન બનાવનાર પ્રથમ જોડી

1. ટેસ્ટ ક્રિકેટ – બિલ લોરી અને બોબ સિમ્પસન (1964)

2. વન ડે ક્રિકેટ – ડેવિડ બૂન અને જ્યોફ માર્શ (1986)

3. T20 ક્રિકેટ – બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન (2021)

નામિબિયા સામે બાબરનાં આઉટ થયા બાદ ત્રીજા ક્રમે આવેલા ફખર ઝમાને રિઝવાન સાથે મળીને ટીમનાં સ્કોરને આગળ વધાર્યો હતો, જેના કારણે પાકિસ્તાનનો સ્કોર 15 ઓવરમાં એક વિકેટનાં નુકસાને 118 રન હતો. આ દરમિયાન ઝમાન 5 રન બનાવીને જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબરે આવેલા ટીમનાં અનુભવી બેટ્સમેન મોહમ્મદ હફીઝે રિઝવાન સાથે ઝડપી ગતિએ રન ઉમેર્યા, આ દરમિયાન રિઝવાને પણ પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમનાં સ્કોરને આગળ વધાર્યો. રિઝવાને 50 બોલમાં આઠ ચોક્કા અને ચાર છક્કાની મદદથી અણનમ 79 રન અને હાફિઝે પાંચ ચોક્કાની મદદથી 16 બોલમાં અણનમ 32 રન ફટકારીને ટીમનો સ્કોર 20 ઓવરમાં 189 રન સુધી પહોંચાડ્યો હતો. જેના જવાબમાં પીચ પર ઉતરેલા નામિબિયાનાં બેટ્સમેનો પાકિસ્તાની બોલરોની સામે ખાસ કંઈ કરી શક્યા ન હોતા. નામિબિયા તરફથી ક્રેગ વિલિયમ્સે 40 રન બનાવ્યા પરંતુ તેની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી અને 45 રનથી મેચ હારી ગઈ. આ સાથે પાકિસ્તાને પોતાની ચારેય મેચ જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.