આજે સમગ્ર દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે એક ગામ એવુ છે જ્યાં આજે નહીં પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણે દિવાળીની ઉજવણી કરે છે. વાત જાણી જરા નવાઇ જરૂર લાગે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના ગામડાઓ 85 ટકા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારોના ગામડાઓમાં રહેતા સમાજના લોકો વંશ પરંપરાગત પ્રકૃતિના પૂજક રહ્યા છે. આથી પ્રણાલી અનુસાર આ ગામડાઓમાં એમની રીતી અનુસાર ગામ દિવાળીનો તહેવાર ઉજવે છે, જેમાં એક દિવસ નક્કી કરી ગામના લોકો દિવાળીની ઉજવણી કરે છે. તે દિવસે ગામમાં ખેતીવાડીના કામકાજો બંધ કરી તહેવારની ઉજવણી કરવા માટે સમગ્ર ગામમાં ઢોલ-નગારા વગડાવે છે. અને દરેક ઘરના એક વડીલને બોલાવી દિવસ નક્કી કરે છે.
તહેવારને ઉજવવા માટે ઘર દીઠ બે-પાંચ રૂપિયાનો ફાળો અને ચોખા દાળ કે,અન્ય રોજીંદી ખાવાની વસ્તુઓને ભેગી કરે છે. દિવાળીની ઉજવણી માટે જે સ્થાન પૂર્વજો તરફથી નક્કી કરેવામાં આવ્યું હોય, ત્યાં પર ભેગા થઇ એકઠી કરેલી સામગ્રીને રાંધે છે. અને દિવાળી માતાની મૂર્તિ મુકેલી હોય ત્યાં જઇને પૂજા કરી ભોજન ધરાવે છે.
કહેવાય છે કે, સાતપુડા સ્થિત દિવાળી માતા નિઝર કુકરમુંડા તાલુકાઓના ગામડાઓમાં આ સમયે ગામે ગામ ફરતી હતી અને એ ગામડાઓમાં રાતના સમયે રોકાતી હતી. ગામજનોના દુ:ખો દૂર કરી ખેતીવાડીમાં તથા પશુ ધનને આવતી મુશ્કેલીઓ દૂર કરતી હતી. દિવાળી માતાની પૂજા વિધિ વંશ પરંપરાગત ચાલી આવે છે. રૂઢી પ્રમાણે રાતના સમાજ સુધારક સોંગાડીયા પાર્ટી ઢોલ નગારા વગાડી આખી રાત પસાર કરતા હતા અને બીજા દિવસે ખેડૂતો ખેતરોના શેઢે દિવાળી માતાની મૂર્તિ કે, સીમાંર્યા દેવની મૂર્તિ મૂકી તેમની પૂજા અર્ચના કરતા હતા. આ પરંપરા આજે પણ ગામડાઓમાં પણ ચાલે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે અહીના લોકો આજે પણ આ પરંપરા પ્રમાણે જ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે.
આ સંદર્ભે વાત કરતા નિઝર તાલુકાના નવું નેવાળા ગામના અને ખોડદા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ જગદીશભાઈ મહારાજએ જણાવ્યું હતું કે ગામદિવાળી અને ગાવ દેવીનું નામ એક જ છે. ગામે ગામ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દરેક ગામજન પોતાના ગામને સુરક્ષિત રાખવા, કોઈ મોટી આપદા વિપદા કે કુદરતી સંકટના આવે અને ખેતીવાડીમાં સારી ઉપજ થાય ગામ સલામત રહે તેમજ ઘરના કુટુંબ પરિવાર સારી રીતે રહે તે આશય સાથે દરેક ગામના લોકો વર્ષમાં એક દિવસ જે વડીલો દ્ધારા નક્કી કરવામાં આવે ત્યારે દિવાળીની ઉજવણી કરે છે.