કરાચી,
ભારતની વિરૂધ્ધ કાવાદાવા કરવા માટે પાકિસ્તાન કોઇ તક છોડતું નથી. ભારતની ફિલ્મો પર પ્રતિબંધો મુક્યા પછી હવે પાકિસ્તાન ભારતની વેબસાઇટ્સ પણ બ્લોક કરી રહ્યું છે. ભારતના એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભારત સરકારની gov.in ડોમેન ધરાવતી વેબસાઇટ બ્લોક કરી રહ્યું છે. પાકિસ્તાન ગયા વર્ષના મે મહિનાથી ભારત સરકારની વેબસાઇટ્સ બ્લોક કરી રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ભારત સરકારની વેબસાઈટ્સ નથી ખુલતી. ભારત સરકારે અનેકવાર રાજકીય રીતે આ વિષે પાકિસ્તાનને કહ્યું કે, ભારત સરકારની કોઈ પણ વેબસાઈટ્સને બ્લોક કરવામાં ન આવે. જો કે પાકિસ્તાન ભારત સરકારની વેબસાઇટ્સ બ્લોક કરવામાં કોઇ કસર છોડતું નથી.
ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં સ્થિત ભારતના એમ્બેસેડર્સ અને અધિકારી પોતાની જ સરકારી વેબસાઈટ્સ ન જોઈ શકે તે માટે પાકિસ્તાન આમ કરી રહ્યું છે. આ સિવાય પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશન પાસે એવી ઘણી ફરિયાદો આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે, કે પાકિસ્તાની નાગરિક વેબસાઈટ પરથી વીઝા ફોર્મ ડાઉનલોડ નથી કરી શકતા.
ભારતની સરકારી વેબસાઇટ્સ બ્લોક કરવાને કારણે સૌથી વધુ મુશ્કેલી વીઝા માટે થઇ રહી છે. પાકિસ્તાનના જે નાગરિકોને ભારતના વીઝા જોઇએ છે તેમને વેબસાઇટ્સ પરથી ફોર્મ ડાઉનલોડ કરવામાં તકલીફ પડી રહી છે.
એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં એવા એજન્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે જે પ્રોક્સી સર્વરની મદદથી ત્યાંના નાગરિકોને વીઝા ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ નિર્ણયથી ત્યાં સ્થિત ભારતીય મિશનને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
