Asia Cup/ ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું, વિરાટની યાદગાર ઇનિંગ

ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 111 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ

Top Stories Sports
6 15 ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું, વિરાટની યાદગાર ઇનિંગ

UAE માં ચાલી રહેલા એશિયા કપ 2022 માં આજે ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) સામસામે હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંને સાથે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનને 101 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 111 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

અફઘાનિસ્તાનના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા

213 રનના વિશાળ લક્ષ્યાંકને માત આપવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે પ્રથમ જ ઓવરમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝના રૂપમાં 1 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બંને બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી પણ અફઘાનિસ્તાનની ઈનિંગ્સ ટકી શકી ન હતી અને તેની અડધી ટીમ માત્ર 20 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. જો કે અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને શાનદાર બેટિંગ કરી અને ટીમનો એક છેડો જાળવી રાખ્યો, પરંતુ તેના સિવાય કોઈપણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહીં અને તેના કારણે અફઘાનિસ્તાનની ટીમ 101 રનથી મેચ હારી ગઈ. બીજી તરફ, ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે શાનદાર બોલિંગ કરીને પોતાની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 4 રન ખર્ચીને 5 વિકેટ પોતાના નામે કરી લીધી હતી.

ભારતે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે આજે મજબૂત શરૂઆત કરી હતી. ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા કેપ્ટન કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 119 રનની સદીની ભાગીદારી કરી હતી. ભારતે 119ના સ્કોર પર પહેલી વિકેટ કેપ્ટન રાહુલ 62 રનના રૂપમાં ગુમાવી હતી. રાહુલને ફરીદ અહેમદે આઉટ કર્યો હતો. જયારે આ પછી બેટિંગ કરવા ઉતરેલા સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે ફરીદને વિકેટ આપી હતી. સૂર્યકુમાર યાદવ 6 રન બનાવીને બોલ્ડ થયો હતો. ભારત તરફથી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ 122 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. રિષભ પંત 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટ અને રાહુલની ઇનિંગની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.