Test series/ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવમાં ધબડકો,202 રન પર ઓલઆઉટ

પ્રથમ દિવસે ભારત 202 રને સમેટાઇ ગયું હતું જ્યારે તેના જવાબમાં  રમતના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમે  એક વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા હતા.

Top Stories India
TEST સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવમાં ધબડકો,202 રન પર ઓલઆઉટ

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે પ્રથમ દિવસે ભારત 202 રને સમેટાઇ ગયું હતું જ્યારે તેના જવાબમાં  રમતના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમે  એક વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા હતા. કેપ્ટન ડીન એલ્ગર (11*) અને કીગન પીટરસન (14*) રન પર અણનમ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે એડન માર્કરામને સાત રન પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

 

 

આ પહેલા ઈજાગ્રસ્ત વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી અને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, રાહુલનો આ નિર્ણય ટીમના પક્ષમાં ન ગયો અને આખી ટીમ માત્ર 202 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખાસ રહી ન હતી અને 49 રન સુધી ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મયંક (26), પૂજારા (3) અને રહાણે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી વિહારી અને રાહુલે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો અને ચોથી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી. આ પછી રાહુલે તેની ટેસ્ટ કારકિર્દીની 13મી ફિફ્ટી ફટકારી હતી. જોકે, તે તેને આગળ લઈ શક્યો ન હતો અને પચાસ રન બનાવીને આઉટ થયો હતો.

ભારતના 116 રન પર અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. પરંતુ આ પછી રિષભ પંત (17) અને અશ્વિન (46) વચ્ચે 48 બોલમાં 40 રનની ભાગીદારી થઈ હતી. જો કે આ પછી કોઈપણ ખેલાડી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને અંતે જસપ્રીત બુમરાહના 11 બોલમાં 14 રનની મદદથી ભારતે 200 રનનો આંકડો પાર કર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી જ્યારે ઓલિવિયર અને રબાડાને પણ ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.