ઇઝરાયલ-હમાસ યુદ્ધ/ ભારતે યુએનમાં ન આપ્યો વોટ; પ્રિયંકા ગાંધી-ઓવૈસી સહિતના વિપક્ષ નેતાઓએ ઉઠાવ્યા પ્રશ્ન

હમાસ Vs ઇઝરાયલ: ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા ઠરાવના મતદાનમાં ભાગ ન લીધો

India
ઇઝરાયલ 1 ભારતે યુએનમાં ન આપ્યો વોટ; પ્રિયંકા ગાંધી-ઓવૈસી સહિતના વિપક્ષ નેતાઓએ ઉઠાવ્યા પ્રશ્ન

નવી દિલ્હી: ભારતે ગાઝામાં ‘નાગરિકોની સુરક્ષા અને કાયદાકીય અને માનવતાવાદી પગલાં ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા’ના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા ઠરાવના મતદાનમાં ભાગ લીધો ન હતો.

જોર્ડન 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ પ્રસ્તાવ લાવ્યો હતો, જેને બાંગ્લાદેશ, પાકિસ્તાન, માલદીવ્સ, રશિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 40 દેશો દ્વારા કો-સ્પોન્સર (શરૂઆતી સમર્થન) આપવામાં આવ્યું હતું.

ભારતે આ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.

ભારત ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઈરાક, ઈટાલી, બ્રિટન, યુક્રેન, દક્ષિણ સુદાન, ટ્યુનિશિયા, ફિલિપાઈન્સ, સ્વીડન, યુક્રેન અને ઝિમ્બાબ્વે જેવા દેશોએ પણ મતદાન કર્યું નથી.

આ પ્રસ્તાવની તરફેણમાં 120 વોટ પડ્યા જ્યારે ઈઝરાયેલ અને અમેરિકા સહિત 14 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો. જ્યારે 45 દેશો મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા.

જોર્ડન દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ‘હમાસ’ અને ‘બંધક’ શબ્દો નહોતા.

પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા આ ઠરાવ પર ભારતની ગેરહાજરી પર દેશના વિરોધ પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

જ્યારે CPI અને CPMએ તેને ‘આઘાતજનક’ ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેઓ ભારત સરકારના ‘આ નિર્ણયથી શરમ અનુભવે છે’, જ્યારે શરદ પવારે કહ્યું હતું કે સરકાર ‘મૂંઝવણની સ્થિતિમાં’ છે.

ફોટો ક્રેડિટ: UN ન્યૂઝ
ફોટો ક્રેડિટ: UN ન્યૂઝ

‘ગાઝામાં હત્યાકાંડ બંધ કરો’

CPI અને CPM એ સંયુક્ત નિવેદન જારી કર્યું છે કે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા યુએનના ઠરાવમાં ભારતની ગેરહાજરી ‘આઘાતજનક’ હતી, જે દર્શાવે છે કે ભારતીય ‘વિદેશ નીતિ હવે અમેરિકાના સામ્રાજ્યવાદ હેઠળ કામ કરનાર એક નાના સહયોગીના રૂપમાં ફેરવાઈ ગઇ છે.

સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતુ કે, “ગાઝામાં ચાલી રહેલા નરસંહારને રોકવામાં આવે.”

તેમણે કહ્યું, ” આ પેલેસ્ટિનિયન પર લાંબા સમયથી ચાલી રહેલા ભારતના સમર્થનને ફગાવનારો નિર્ણય છે.”

બંને ડાબેરી પક્ષોએ એમ પણ કહ્યું કે, “યુએન જનરલ એસેમ્બલીમાં આ ઠરાવ પસાર થવા છતાં ઇઝરાયલે ગાઝા પર તેના હવાઈ અને જમીની હુમલામાં વધારો કર્યો છે.”

તેમણે કહ્યું, “ઈઝરાયલે 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનોના ઘર એવા ગાઝા પટ્ટીમાં તમામ સંચાર બંધ કરી દીધા છે. યુએનના ઠરાવને માન આપીને ત્યાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જોઈએ.

શરદ પવારે શું કહ્યું?

NCP પ્રમુખ શરદ પવારે કહ્યું, “ભારત સરકાર પેલેસ્ટાઈનના મુદ્દે મૂંઝવણની સ્થિતિમાં છે. ભારતની નીતિ ઈઝરાયેલને નહીં પણ પેલેસ્ટાઈનને સમર્થન આપવાની રહી છે. ત્યાં હજારો લોકો માર્યા ગયા છે અને ભારતે ક્યારેય તેનું સમર્થન કર્યું નથી.”

પ્રિયંકા ગાંધીએ શું આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે જ્યારે ‘માનવતાની સાથે તમામ કાયદાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે ત્યારે સ્ટેન્ડ ન લેવું અને ચૂપચાપ જોતા રહેવું ખોટું છે.

મહાત્મા ગાંધીના શબ્દોને ટ્વિટ કરીને તેમણે લખ્યું, “આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દે છે. મને આઘાત અને શરમ છે કે આપણો દેશ ગાઝામાં યુદ્ધવિરામ માટે મતદાન કરવાથી દૂર રહ્યો. આપણા દેશનો પાયો “અહિંસાના સિદ્ધાંતો પર સ્થાપિત થયો છે. સત્ય કે જેના માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ સિદ્ધાંતો બંધારણનો આધાર બનાવે છે અને આપણા રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરે છે.”

તેમણે લખ્યું છે કે એવા સમયે જ્યારે લાખો લોકો માટે અન્ન, પાણી, તબીબી, સંચાર, પુરવઠો અને વીજળી બંધ થઈ ગઈ છે અને જ્યારે પેલેસ્ટાઈનમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા થઈ રહી છે, ત્યારે સ્ટેન્ડ લેવાનો ઈન્કાર કરીને ચૂપચાપ આ બધુ જોતા રહેવું ખોટું છે. આ એક દેશ તરીકે ભારત હંમેશા જેના માટે લડ્યું છે તેનાથી વિપરીત છે.

ઓવૈસીનો પ્રશ્ન- ‘વિશ્વ ગુરુનું શું થયું?’

બીજી તરફ AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગાઝા સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા ઠરાવ પર વોટિંગમાં ભારતની બિન-ભાગીદારીની નિંદા કરી છે.

ઠરાવ ગાઝામાં નાગરિકોની સુરક્ષા અને ત્યાં કાનૂની અને માનવતાવાદી પગલાં ચાલુ રાખવાના સમર્થનમાં હતો.

મોદી સરકારના આ પગલાની ટીકા કરતા ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “આ આઘાતજનક છે કે નરેન્દ્ર મોદી સરકાર માનવતાવાદી કરાર અને નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવેલા યુએન કરારના ઠરાવ પર મતદાનથી દૂર રહી.”

તેમણે કહ્યું, “અત્યાર સુધી ઇઝરાયેલે ગાઝામાં 7,028 લોકોને મારી નાખ્યા છે. જેમાંથી 3,000થી વધુ બાળકો અને 1,700 મહિલાઓ છે. ગાઝાનો ઓછામાં ઓછો 75 ટકા ભાગ તોડી પાડવામાં આવ્યો છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. શાંતિકાળમાં ગાઝાના લોકોને પણ નાકાબંધીનો શિકાર બનાવવામાં આવ્યા છે.”

તેમણે લખ્યું, “આ એક માનવતાવાદી મુદ્દો છે, રાજકીય નથી, પરંતુ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહીને ભારત ગ્લોબલ સાઉથ, સાઉથ એશિયા અને બ્રિક્સમાં એકલું ઊભું રહ્યું છે. આખરે, ભારતે એક મુદ્દા પર વોટિંગ કરવાથી કેમ દૂર રહ્યું? તે પણ લોકોના જીવન સાથે સંબંધિત? “ગાઝામાં સહાય મોકલ્યા પછી મતદાનથી શા માટે દૂર રહેવું? એક વિશ્વ, એક પરિવાર અને વિશ્વ ગુરુનું શું થયું?”

તેમણે લખ્યું છે કે, “નરેન્દ્ર મોદીએ હમાસ દ્વારા કરાયેલા હુમલાની નિંદા કરી હતી પરંતુ સમાધાન માટે યુએનના પ્રસ્તાવ પર સહમત થઈ શક્યા ન હતા. તેમણે થોડા દિવસ પહેલા જોર્ડનના રાજા સાથે વાત કરી હતી પરંતુ જોર્ડન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી દૂર રહ્યા હતા. આ અસંગત વિદેશ નીતિ છે. “

આ પણ વાંચો- યહૂદી જ ઉતર્યા ઇઝરાયલના વિરૂદ્ધમાં; કહ્યું- પેલેસ્ટાઇનને આપવી જોઇએ આઝાદી

આ પણ વાંચો- કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ પર વરસશે વાદળ…હવે આવવું પડશે પરત,  કેનેડિયન ઈમિગ્રેશનથી આવ્યા ચોંકાવનારા સમાચાર