નવી દિલ્હી: જસ્ટિસ રંજન ગોગોઈએ બુધવારે દેશના ૪૬માં CJI (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) તરીકે પોતાનો પદભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવરાવ્યા હતા. જસ્ટિસ ગોગોઈએ 28 ફેબ્રુઆરી, 2001ના રોજ જજ તરીકે ગુવાહાટી હાઈકોર્ટથી પોતાની કેરિયરનો પ્રારંભ કર્યો હતો. 23 એપ્રિલ 2012થી જસ્ટિસ ગોગોઈની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ થઈ હતી. જસ્ટિસ ગોગોઈની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબી કેરિયર રહી છે. પરંતુ લોકો એ બાબત જાણીને આશ્ચર્ય ચકિત થઈ જશે કે, જસ્ટિસ ગોગોઈની સંપત્તિ ઘણી મામૂલી છે અને તેમની પાસે આજે પણ પોતાની માલિકીનું ઘર નથી.
વરિષ્ઠ અને નામી વકીલોની સંપત્તિ જુઓ તો જસ્ટિસ ગોગોઈ સંપત્તિના મામલે તેમની સામે હરિફાઈમાં ક્યાય ટકી શકે તેમ નથી. જસ્ટિસ ગોગોઈની અત્યાર સુધીની કુલ બચત અને અન્ય સંપત્તિઓને એકત્ર કરીને જોઈએ તો પણ કદાચ તે વરિષ્ઠ અને મશહૂર વકીલોની પ્રતિદિન (રોજ)ની આવક કરતા પણ ઓછી સાબિત થશે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, જસ્ટિસ રંજન ગોગોઈની પાસે ગોલ્ડ (સોના)ની એક પણ જ્વેલરી પણ નથી, જયારે તેમની પત્ની પાસે પણ ફક્ત એ જ્વેલરી છે કે જે તેમને લગ્ન સમયે તેમના પરિવારજનોએ આપી હતી. જસ્ટિસ ગોગોઈની પાસે પોતાની માલિકીનું એક પણ વાહન નથી. જો કે તેનું એક કારણ એ પણ હોય શકે છે કે, તેમને છેલ્લા બે દાયકાથી સરકારી વાહન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અન્ય જજોની જેમ જસ્ટિસ ગોગોઈને પણ સ્ટોક માર્કેટમાં કોઈ જ દિલચસ્પી નથી.
આ સાથે જસ્ટિસ ગોગોઈની કોઈ લોન, કર્જ (દેવું) અથવા કોઈ પણ પ્રકારનું બિલ બાકી બોલતું નથી, એટલે કે તેમની ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ દેવું નથી.
નવાં સીજેઆઈ જસ્ટિસ ગોગોઈ અને તેમની પત્ની પાસે કુલ 30 લાખ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ ૧૯૯૯માં જસ્ટિસ ગોગોઈએ ગુવાહાટીના બેલટોલા વિસ્તારમાં એક પ્લોટ ખરીદ્યો હતો, જેને તેમણે ઘણાં સમય અગાઉ ૬૫ લાખ રૂપિયામાં વેચી દિધો હતો. પોતાની સંપત્તિના સોગંદનામાંમાં જસ્ટિસ ગોગોઈએ તે પ્લોટ ખરીદનાર વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
આવી રીતે જોઈ સીજેઆઈ જસ્ટિસ ગોગોઈની આ સંપત્તિને દેશના વરિષ્ઠ વકીલોની સાથે તુલના કરવામાં આવે તો આ તેમની આસપાસ પણ આવી શકતી નથી.
સુપ્રીમ કોર્ટના કેટલાક મશહૂર વકીલ એક દિવસમાં 50 લાખ રૂપિયા સુધી કમાઈ લે છે. જયારે સુપ્રીમ કોર્ટના એક જજનો પગાર થોડા સમય અગાઉ સુધી એક લાખ રૂપિયા પ્રતિ મહિના હતી, જેને વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટના કેટલાક જજને કેટલાક અન્ય ભથ્થાં અને આવાસ (નિવાસ) સહિતની સુવિધાઓ મળે છે, પરંતુ જો આ કમાણીની તુલના મશહૂર વકીલોની કમાણીની સાથે કરવામાં આવે તો આ તુલના જ યોગ્ય કહી શકાય છે.