અમદાવાદ: ભારતના સૌથી ધનાઢય અને ઉદ્યોગપતિ એવા અંબાણી પરિવારની આગામી ટૂંક સમયમાં પુત્રવધૂ બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ તેના પરિવાર સાથે રવિવારે સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિલાયન્સના કર્તાહર્તા અને સર્વેસર્વાં મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા પછી નાના પુત્ર અનંત અંબાણીની એન્કોર હેલ્થકેર પ્રા.લિ. અને ઝીગ ફાર્મા લિમિટેડના વાઈસ ચેરમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે આગામી દિવસોમાં સગાઈ થવાની છે. આ સંજોગોમાં રાધિકા ટૂંક સમયમાં જ અંબાણી પરિવારની પુત્રવધૂ બની જશે.
જાણવા મળ્યા અનુસાર રવિવારે રાધિકા, તેના પિતા વિરેન મર્ચન્ટ સહિતનો પરિવાર ચાર્ટર્ડ પ્લેન મારફતે સોમનાથ આવશે. અને પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના દર્શનાર્થે શિશ ઝુકાવવા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થયા બાદ પુત્રી ઈશા અંબાણીની પણ સગાઈ કરવામાં આવી છે ત્યારે અંબાણી પરિવારના રહેઠાણ એન્ટિલિયામાં સગાઈની મોસમ ખીલી હોય તેવી રીતે હવે અનંત અને રાધિકાની પણ ટૂંક સમયમાં સગાઈ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.