Not Set/ શિક્ષક દિવસ: આદર્શ શિક્ષક માત્ર એક સંકલ્પના નથી : શ્રી શ્રી રવિશંકર

અમદાવાદ: દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસ તા. પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ નિમિત્તે જાણીતા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર દ્વારા આ દિવસના મહિમા અને ગુરુ (શિક્ષક) અને શિષ્ય (વિદ્યાર્થી) વચ્ચેના  સંબંધ અંગેની જાણકારી આપવામાં આવી છે. જેને અત્રે પ્રસ્તુત કરવામાં આવી  છે. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના […]

Top Stories India Trending
Teacher's Day: Ideal teacher is not just a concept: Sri Sri Ravi Shankar

અમદાવાદ: દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસ તા. પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ નિમિત્તે જાણીતા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર દ્વારા આ દિવસના મહિમા અને ગુરુ (શિક્ષક) અને શિષ્ય (વિદ્યાર્થી) વચ્ચેના  સંબંધ અંગેની જાણકારી આપવામાં આવી છે. જેને અત્રે પ્રસ્તુત કરવામાં આવી  છે.

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના જણાવ્યા મુજબ ભારત વર્ષમાં ગુરુ-શિષ્ય પ્રણાલી કેટલી વિશિષ્ટ અને અદ્ભુત છે! ગુરુ હમેશા શિષ્યનો વિજય ઈચ્છે છે, અને શિષ્ય ઈચ્છે છે કે ગુરુનો જય હો! શિષ્ય પોતાનાં મનની સીમિતતા જાણે છે. અને જો એ સીમિત મન વિજયી બને તો દુઃખ ભણી દોરી જશે. પરંતુ ગુરુનું મન બૃહત છે, તો ગુરુનો વિજય એટલે જ્ઞાનનો વિજય! અને ગુરુગમ્ય જ્ઞાન થકી પ્રત્યેકનાં જીવનમાં શુભત્વ, શ્રેય અને પ્રેય નો ઉદય થાય છે. માટે શિષ્ય ગુરુનો જય ઈચ્છે છે. અને એ યોગ્ય છે કારણ જયારે શિષ્ય/વિદ્યાર્થી સ્વયંને ગુરુ/શિક્ષક કરતાં શ્રેષ્ઠ માને છે ત્યારે જીજ્ઞાસા વૃત્તિનો અંત આવે છે, અહંકાર ઉઠે છે અને આ અહંકાર જ્ઞાનને નષ્ટ કરે છે. તો શિષ્ય ગુરુનો જય ઈચ્છે છે અને ગુરુ/શિક્ષક, શિષ્ય વિજયી બને તેવો આશીર્વાદ આપે છે.

તેમણે જણાવ્યું છે કે, સાચા શિક્ષકનું અન્ય એક લક્ષણ છે: ધૈર્ય ! વિદ્યાર્થીની ગ્રહણશીલતા ઓછી હોય તો પણ શિક્ષકનું અખંડ ધૈર્ય ચમત્કાર સર્જી શકે છે. માતા-પિતાને જયારે એક કે બે બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારે એક શિક્ષકને એક સાથે ઘણાં બાળકોની સંભાળ લેવાની હોય છે અને આ ખરેખર ખૂબ તણાવજનક અને પડકારરૂપ પરિસ્થિતિ હોય છે.

આ સંજોગોમાં, જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે.  બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષક નું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.

તેમણે વધુમાં કહ્યું છે, એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઇ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુન ને ધીરે ધીરે ગંતવ્ય તરફ દોરી જાય છે! કૃષ્ણ એક અદ્ભુત શિક્ષક છે.

જયારે એક શિષ્ય/વિદ્યાર્થી પ્રગતિ કરે છે ત્યારે તે ખૂબ મૂંઝવણમાંથી પસાર થાય છે. તેની પૂર્વધારણાઓ, વિભાવનાઓનું ખંડન થાય છે. જેમ કે એક વિદ્યાર્થી પ્રથમ શીખે છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ત્યાર પછી તે ગ્રહો, ગ્રહોની ગતિ અને ખગોળશાસ્ત્ર સમજે છે. અને ત્યારે આગળની પૂર્વધારણા: સૂર્ય ઉગે છે, તેનું ખંડન થાય છે.

આ આખી પ્રક્રિયામાં એક શિક્ષક, પ્રત્યેક પગલે અત્યંત કુશળતાપૂર્વક વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડે છે. ક્યારેક શિક્ષક ખુદ વિદ્યાર્થીની પ્રગતિ માટે ગૂંચવણો ઉભી કરે છે. તો એક શિક્ષક, જ્ઞાનના પથ ઉપર વિદ્યાર્થીને શનૈ: શનૈ: આગળ લઇ જવાની કલામાં પ્રવીણ હોય છે.

સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન છે. સામાન્યત: અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે. કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે. પરંતુ શાળાઓમાં આનાથી બિલકુલ ઉલટું થતું હોય છે.

વિદ્રોહી બાળકોની સાથે કઠોર વ્યવહાર અને શરમાળ પ્રકૃતિના બાળકો સાથે મૃદુ વ્યવહાર થતો હોય છે. અને એટલે જ તેમની વર્તણુંકમાં સકારાત્મક પરિવર્તન આવતું નથી. એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે.

વિદ્યાર્થીનાં મસ્તિષ્કમાં માહિતીઓ નો સંચય કરવો તે શિક્ષણ નથી. શિક્ષણ બહુઆયામી, સંપૂર્ણ પ્રક્રિયા છે. વર્ગમાં આવીને માત્ર થોડા પાઠ શીખવા તે શિક્ષણ નથી. શરીર તથા મન નો સંપૂર્ણ અને સ્વસ્થ વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ હિતાવહ છે. અને તેના માટે પરસ્પર આત્મીયતા, પ્રેમ, સંભાળ, અહિંસા જેવા ગુણો ની ખીલવણી થાય તે અનિવાર્ય છે. આ એવા સદગુણો- સિદ્ધાંતો છે જેના પાયા પર માનવીય મૂલ્યોની ઉંચી ઈમારતનું નિર્માણ થતું હોય છે!