દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ટૂંક સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100 થી વધુ યુનિકોર્ન છે.પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું, “જ્યારે 2009માં પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે વિશ્વ મોટા આર્થિક સંકટમાંથી બહાર આવી રહ્યું હતું. આ સમય દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું.
તેમણે કહ્યું, “કોવિડ રોગચાળા, તણાવ અને વિવાદો વચ્ચે વિશ્વ આર્થિક પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે બ્રિક્સ દેશોની મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ બાદ પણ ભારત આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દેશ બનીશું.પીએમ મોદીએ કહ્યું કે એ વાતમાં કોઈ શંકા નથી કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે કારણ કે આપણે આપત્તિ અને મુશ્કેલીઓના સમયને આર્થિક સુધારાની તકોમાં બદલી નાખ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે મિશન મોડમાં જે ફેરફારો કર્યા છે તેના પરિણામે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમે રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કરોડો લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રીતે 360 અબજ ડોલરથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેનાથી પારદર્શિતા વધી અને ભ્રષ્ટાચાર ઓછો થયો.