ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 142 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકાના હમ્બનટોટાના મહિન્દા રાજપક્ષે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને 47.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 19.2 રન જ રમી શકી હતી અને 59 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાને 142 રનના મોટા માર્જિનથી જીત મેળવી હતી.
202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાને ત્રીજી ઓવરમાં ઈબ્રાહિમ ઝદરાનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઈબ્રાહિમ 6 બોલમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 18 રન બનાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે 4 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા નથી. જ્યારે 5 બેટ્સમેનોનું ખાતું પણ ખૂલ્યું ન હતું.
ફાસ્ટ બોલર હરિસ રઉફે અફઘાનિસ્તાન સામે તોફાની બોલિંગ કરી હતી. તેણે 6.2 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ બોલરે 2 મેડન ઓવર પણ નાખી. રઉફના તોફાનમાં અફઘાનિસ્તાન ઉડી ગયું હતું અને એક પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો છે.