અમદાવાદ
અમદાવાદમાં એક મહિલાએ તેના 75 વર્ષના સાસુ પર સંપત્તિના ઝગડાને મામલે એસિડ છાંટી દીધું હતું.શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનેલાં આ હિચકારા બનાવમાં વહુએ પહેલાં તેના 80 વર્ષના સસરાં જોડે કંકાસ ચાલુ કર્યો હતો તે પછી તેણે સાસુ પર એસિડ નાંખી દીધો હતો.ચાંદખેડા પોલિસ સ્ટેશનમાં આ હુમલા અંગે ફરિયાદ નોંધાતા પોલિસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ગુડી લેઉવા નામની વૃધ્ધ મહિલા તેના રેલ્વેના નિવૃત કર્મચારી પતિ મણીલાલ સાથે રહે છે.મણીલાલ અને ગુડીને તેમની 42 વર્ષની વહુ નીલમ સાથે સંપત્તિ મામલે વિવાદ ચાલી રહ્યો છે.
પોલિસ ફરિયાદ પ્રમાણે ગુરૂવારે રાતે નીલમે સંપત્તિ મામલે ઘરમાં ઉગ્ર ઝગડો શરૂ કર્યો હતો.મણીલાલના કહેવા પ્રમાણે બાથરૂમમાંથી તેમના પત્નિ ગુડીનો ચીસોનો અવાજ આવ્યો હતો.જ્યારે તેમણે બાથરૂમ તરફ દોડીને જોયું તો નીલમે ગુડીના પાછળના ભાગમાં એસિડ ફેંક્યું હતું.તે સમયે મણીલાલનો પુત્ર સુનીલ પણ ત્યાં હાજર હતો.
જોવાની વાત એ હતી કે સુનીલ પણ તેના ઘરડાં માતા-પિતાને હેરાન કરતો હતો.નીલમે તેની સાસુ પર એસિડ ફેંક્યું હોવા છતાં તેણે તેના મા-બાપને અપશબ્દો બોલી ઝગડો કરવાનું ચાલું રાખ્યું હતું.
નીલમના એસિડ એટેકથી ઘવાયેલી ગુડીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ બનાવની કરૂણતા એ છે કે નીલમે તેની સાસુ પર પહેલીવાર એસિડ નહોતું ફેંક્યું પરંતું તેણે બીજી વાર એસિડ એટેક કર્યો હતો. પોલિસે હાલ નીલમ અને સુનીલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
