ના હોય!/ ભારતના વિશ્વ પ્રસિદ્ધ પુલની રસપ્રદ વાતો, જેનું આજ સુધી નથી થયું ઉદ્ઘાટન

ભારતમાં અને દુનિયાભરના દેશોમાં ઘણા બ્રિજ છે,  જેમાંથી ઘણા પુલ એવા છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેના કારણે વિશ્વભરમાં જાણીતા પણ બન્યા છે

Trending
Bridge

Bridge: ભારતમાં અને દુનિયાભરના દેશોમાં ઘણા બ્રિજ છે,  જેમાંથી ઘણા પુલ એવા છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેના કારણે વિશ્વભરમાં જાણીતા પણ બન્યા છે.  કેટલાક પુલોને આપણા દેશનું ગૌરવ પણ કહેવામાં આવે છે. આવો જ એક પુલ આપણા દેશ પણ છે. આ બ્રિજ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. નવાઈની વાત એ છે કે વિશ્વ પ્રસિદ્ધ બ્રિજનું આજદિન સુધી ઉદ્ઘાટન થયું નથી. આ પુલ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે.

વાસ્તવમાં, આ પુલ એટલે કોલકાતાનો હાવડા બ્રિજ, (Bridge) આ બ્રિજ હંમેશાથી કોલકાતાની ઓળખ રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ડિસેમ્બર 1942માં આ પુલથી થોડે દૂર એક જાપાની બોમ્બ પડ્યો હતો, પરંતુ તે પછી પણ આ પુલને નુકશાન થયુ  નહોતુ.

એક મીડિયાના અહેવાલ પ્રમાણે ઓગણીસમી સદીના છેલ્લા દાયકાઓમાં, બ્રિટિશ ભારત સરકારે કોલકાતા અને હાવડા વચ્ચે વહેતી હુગલી નદી પર તરતો પુલ બનાવવાની યોજના બનાવી હતી. હકીકતમાં, તે સમયગાળા દરમિયાન, હુગલી નદીમાં દરરોજ ઘણા જહાજો આવતા અને જતા હતા અને થાંભલાઓ સાથેનો પુલ આ જહાજોની અવરજવરમાં અવરોધ પેદા કરી શકે છે, તેથી 1871 માં હાવડા બ્રિજ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

હાવડા બ્રિજનું નિર્માણ કાર્ય વર્ષ 1936 માં શરૂ થયું હતું અને 1942 માં પૂર્ણ થયું હતું. તે પછી, 3 ફેબ્રુઆરી, 1943 ના રોજ, સામાન્ય લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તે સમયે તે વિશ્વનો તેના પ્રકારનો ત્રીજો સૌથી લાંબો પુલ હતો. કવિગુરુ રવીન્દ્ર નાથના નામ પરથી વર્ષ 1965માં તેનું નામ રવીન્દ્ર સેતુ રાખવામાં આવ્યું હતું.

હાવડા બ્રિજ બનાવવા માટે 26,500 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી 23,500 ટન સ્ટીલ ટાટા સ્ટીલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. તેની વિશેષતા એ છે કે આ આખો પુલ નદીની બંને બાજુએ બનેલા 280 ફૂટ ઊંચા બે પિલર પર જ ટકેલો છે. આ બે પિલર વચ્ચે દોઢ હજાર ફૂટનું અંતર છે. આ સિવાય પુલને ટેકો આપવા માટે નદીમાં ક્યાંય પણ પિલર નથી.

હાવડા બ્રિજની એક ખાસ વાત એ છે કે તેના બાંધકામમાં સ્ટીલની પ્લેટને જોડવા માટે નટ-બોલ્ટ નહીં પણ ધાતુના બનેલા નખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2011માં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તમાકુ થૂંકવાને કારણે પુલના પાયાની જાડાઈ ઘટી રહી છે. જે બાદ પુલની સુરક્ષા માટે તેના સ્ટીલના પાયાને નીચેથી ફાઈબર ગ્લાસથી ઢાંકી દેવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.