વોશિંગ્ટન,
વિશ્વની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક હાલ તેના ડેટા લીક થવાના મામલે દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. ફેસબુકના કો- ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને ફેસબુક ડેટા લીક થવાના કારણે એક જ દિવસમાં ૬.૬ બિલિયન ડોલરનું નુકશાન થયું હતું. ત્યારે હવે ઝુકરબર્ગે પ્રથમ વાર કોઈ પ્રતિક્રિયા આપી છે.
ડેટા લીક થવા મામલે પોતાની ભૂલ સ્વીકારતા તેઓએ જણાવ્યું, “યુઝરના ડેટા લીક મામલે કંપની દ્વારા ભૂલ થઇ છે અને આગામી સમયમાં કોઈ વ્યક્તિના અંગત ડેટા વાપરવા સામે કડક પગલા લેવામાં આવશે. તેઓએ આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, રશિયા જેવા બીજા અન્ય દેશોએ અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી અને ફેસબુક દ્વારા આ પ્રયાસોને રોકવા માટે ક્યા પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા હતા”.
અમેરિકાની ચૂંટણીમાં ડેટા લીક થવા મામલે તેઓએ યુઝરને ભરોસો આપતા જણાવ્યું, “હવે તેઓની કંપની ભારત સહિત દુનિયાના કોઈ પણ દેશોમાં યોજાનારી ચૂંટણીમાં ડેટા સાથે જોડાયેલી ઈમાનદારીને બનાવી રાખવા માટે પૂરી રીતે કટિબદ્ધ છે”.
અમેરિકાની એક ટીવી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં ઝુકરબર્ગે કહ્યું, “ફેસબુક ભારત સહિત દુનિયામાં તમામ દેશોમાં યોજાનારી ચૂંટણીમાં કોઈ પણ બહારના તત્વોને દખલ કરતા રોકવા માટે જરૂરી તમામ પગલાઓ લેશે. આ માટે ફેસબુક દ્વારા એક કૃત્રિમ ફોરેન્સિક ટુલથી લઇ રશિયન બોટ્સની ઓળખાણ સુધીના તમામ ઉપાયો કરવામાં આવ્યા છે”.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ફ્રાંસમાં યોજાયેલી ચૂંટણી અને અમેરિકાના અલાબામામાં સેનેટની ચૂંટણીને પ્રભાવિત કર્યા હતા.
૨૦૧૯ની ભારતની લોકસભા ચૂંટણી પર છે ખાસ ધ્યાન :
ભારતમાં યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અંગે ઝુકરબર્ગે જણાવ્યું, “આ અમારી જવાબદારી છે. ભારત પર ખાસ ધ્યાન છે કારણ કે ત્યાં મોટી ચૂંટણી યોજવા રહી છે. આ ઉપરાંત બ્રાઝિલ અને કેટલાક દેશોમાં ચૂંટણી યોજાવવાની છે ત્યારે અમે એ બધું જ કરવામાં કટિબદ્ધ છે કે આ ચૂંટણીઓ દરમિયાન તમામ રીતે ફેસબુક પર વિશ્વાસ જળવાઈ રહે”.
મહત્વનું છે કે, અમેરિકાની ચૂંટણીમાં થયેલા ડેટા લીકનો મામલો હવે ભારત સુધી પહોંચી ચુક્યો છે. આ મામલે હવે ભારતના રાજકારણમાં પણ આક્ષેપ-પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ફેસબુકની ડેટા ચોરીની કંપની કેમ્બ્રિજ એનાલિટીકા ફર્મ સાથે જોડાયેલી છે અને તેની મદદ લઇ રહી છે. ભારતમાં હાલ ૨૦ કરોડ FB યુઝરો છે ત્યારે ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોચાડવાનો પ્રયન્ત સહન કરવામાં નહિ આવે. ત્યારે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર પલટવાર કર્યો છે.
રાહુલ ગાંધીએ BJP પર પલટવાર કરતા જણાવ્યું, ઈરાકમાં ૩૯ ભારતીયોના મોતના મામલા પરથી ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ અને ડેટા લીકની વાર્તાઓ બનાવવામાં આવી રહી છે.
