ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સોમવારે (1 એપ્રિલ) સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો. આ હુમલો ઈરાની કોન્સ્યુલેટ પર કરવામાં આવ્યો હતો. ઈરાને આ હુમલાને લઈને દાવો કર્યો છે કે ઈઝરાયેલ દ્વારા F-35 ફાઈટર પ્લેન વડે હુમલો કરાયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા. સોમવારે ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટ પર કરવામાં આવેલ હવાઈ હુમલામાં 7 લોકો માર્યા ગયા છે, જેમાંથી એક ઈરાનનો ટોચનો સૈન્ય કમાન્ડર છે.
ઇરાનની કુદ્સ ફોર્સ માટે વધુ ઘાતકી હુમલો
ઇઝરાયેલે ઇરાની કોન્સ્યુલેટ પર કરવામાં આવેલ હુમલો ઇરાનની કુદ્સ ફોર્સ માટે વધુ ઘાતકી બન્યો. કારણ કે આ હુમલામાં ઈરાનની સેના સાથે જોડાયેલા કુદ્સ ફોર્સના મોટા અધિકારી જનરલ મોહમ્મદ રેડા ઝાહેદીનું મોત થયું છે. 65 વર્ષીય ઝાહિદીએ કુદ્સ ફોર્સ માટે કામ કર્યું હતું અને સીરિયા અને લેબનોનમાં ગુપ્ત કામગીરીની દેખરેખ રાખી હતી. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયાને લપેટમાં લઈ રહ્યું છે. ઈઝરાયેલ હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. જણાવી દઈએ કે ઈરાનની સેનાનું નામ રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે, પરંતુ તેની વિદેશી પાંખ કુદ્સ ફોર્સ તરીકે ઓળખાય છે. આ રીતે ઇઝરાયેલના હુમલાને કારણે છેલ્લા એક વર્ષમાં સૌથી મોટું નુકસાન ઇરાનને થયું છે.
ઈરાનના દાવાની કરી પુષ્ટિ
મીડીયા અહેવાલ મુજબ ઈઝરાયેલના બે અધિકારીઓને ટાંકીને ઈરાનના દાવાની પુષ્ટિ કરી છે. હુમલામાં ઈરાનના કુદ્સ ફોર્સના બે ટોચના કમાન્ડર અને અન્ય 5 અધિકારીઓના મોત થયા છે. આમાં સીરિયામાં ઈરાનના સૌથી વરિષ્ઠ અધિકારી મોહમ્મદ રેઝા ઝાહેદી અને તેમના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ હજ રહીમીનો સમાવેશ થાય છે. સીરિયામાં ઈરાનના રાજદૂત હુસેન અકબરીને હવાઈ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમારી પાસે આ હુમલાઓનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. તે ક્યારે અને કેવી રીતે થશે તે અમે જાતે નક્કી કરીશું.”
જેરુસલેમ પોસ્ટે ઈરાની પ્રેસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલાના સમયે ઈરાની કમાન્ડર ઝાહેદી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લઈને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. હુમલાને કારણે ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. હુમલા બાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલા બાદ ઈમારતના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે સીરિયામાં ઈરાનના દૂતાવાસની નજીકની ઈમારતને નિશાન બનાવી હતી. ઈરાનનું કોન્સ્યુલેટ આ ઈમારતમાં હતું.
4 દિવસ પહેલા પણ કર્યો હતો સીરિયા પર હુમલો
આ પહેલા ઈઝરાયેલ દ્વારા 28 માર્ચે સીરિયાના અલેપ્પો શહેરમાં પણ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ દરમિયાન ઈઝરાયેલે ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આમાં હિઝબુલ્લાહના પાંચ સભ્યો પણ માર્યા ગયા હતા.
અહેવાલ મુજબ, સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા બપોરે 1.45 કલાકે આ હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન લગભગ 2 કલાક સુધી વિસ્ફોટનો અવાજ સંભળાતો રહ્યો. ત્યારબાદ કેટલાક આતંકી સંગઠનોએ ઇદલિબ શહેરમાંથી ડ્રોન હુમલો પણ કર્યો હતો. હમાસ સાથેના યુદ્ધની શરૂઆતથી ઈઝરાયેલની સેનાએ સીરિયામાં અનેક વખત હવાઈ હુમલા કર્યા છે. જાન્યુઆરીમાં, ઈરાને દાવો કર્યો હતો કે ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ઈમારત પર હવાઈ હુમલો કર્યો હતો. 2011માં ગૃહયુદ્ધ શરૂ થયા બાદ ઈઝરાયેલે સીરિયામાં સેંકડો હવાઈ હુમલાઓ કર્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલ છોડી હતી. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. જે વિસ્તારમાં આ હુમલો થયો છે ત્યાં સીરિયાની સુરક્ષા એજન્સી, ગુપ્તચર મુખ્યાલય અને વરિષ્ઠ અધિકારીઓના ઘર છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા
