Gujarat News: ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક નવી સિદ્ધિનો ઉમેરો થયો છે. અમરેલી ખાતે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB) હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીમાં ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા રાજ્યમાં પ્રથમવાર શુદ્ધ ગીર ઓલાદની વાછરડી (Gir Calf)નો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ પૂરતી નથી, પરંતુ તે ગુજરાતના લાખો પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી સાબિત થશે.
IVF ટેકનોલોજીથી પશુપાલનમાં નવી ક્રાંતિ
પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી એ આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે, અમરેલીના વરુડી ખાતે સ્થિત એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ટેકનિકલ સહયોગથી IVF ટેકનોલોજીનો સફળ અમલ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં કુલ 13 રેસિપિયન્ટ (ભાડૂતી) પશુઓમાં ભ્રૂણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેમાંથી શુદ્ધ ગીર વાછરડી (Gir Calf)નો જન્મ થવો રાજ્ય માટે ગૌરવની બાબત છે.

કાંકરેજ ગાયના ગર્ભમાંથી ગીર વાછરડી (Gir Calf)
આ પ્રયોગની સૌથી વિશેષ બાબત એ છે કે, ઓછી દૂધ આપતી કાંકરેજ ઓલાદની ગાયને રેસિપિયન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી, જ્યારે ભ્રૂણ ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતી ગીર ગાય (Gir Cow)માંથી લેવામાં આવ્યું હતું. પરિણામે જન્મેલી વાછરડી (Gir Calf)સંપૂર્ણ રીતે ગીર જાતિના લક્ષણો ધરાવે છે. આ સાબિત કરે છે કે હવે સામાન્ય કે ઓછી ઉત્પાદકતા ધરાવતી ગાયો પણ ઉત્તમ જાતિના બચ્ચાંને જન્મ આપી શકે છે.
એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીની ભૂમિકા
ગુજરાતના ગૌરવ સમાન ગીર ગાય (Gir Cow)ના બ્રીડિંગ ટ્રેક્ટ વિસ્તારમાં આવતા અમરેલી જિલ્લામાં આ આધુનિક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. અહીં IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર જેવી અદ્યતન પદ્ધતિઓ દ્વારા પશુ સંવર્ધન કરવામાં આવે છે. પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં લેબોરેટરીમાં ઉપલબ્ધ વધુ 30 રેસિપિયન્ટ પશુઓમાં પણ ભ્રૂણ પ્રત્યારોપણ કરવામાં આવશે.
પશુપાલકો માટે IVF કેમ વરદાન છે?
સામાન્ય રીતે, ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતી ગાય પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કુદરતી રીતે માત્ર 7 થી 8 બચ્ચાંને જન્મ આપે છે. પરંતુ IVF ટેકનોલોજી દ્વારા આ મર્યાદા તૂટી જાય છે. આ પદ્ધતિમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ગાયને ડોનર તરીકે પસંદ કરવામાં આવે છે, તેની પાસેથી અંડાણુ મેળવી લેબોરેટરીમાં ફલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થયેલા ભ્રૂણને અન્ય રેસિપિયન્ટ ગાયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.
એક ગાયથી 100 ઉત્તમ બચ્ચાં શક્ય
IVF ટેકનોલોજીના ઉપયોગથી એક જ ઉચ્ચ ગુણવત્તાવાળી ગીર ગાય (Gir Cow)માંથી તેના સમગ્ર જીવનકાળ દરમિયાન 100 જેટલા ઉત્તમ ગુણવત્તાવાળા બચ્ચાં મેળવી શકાય છે. આ બચ્ચાં પણ ડોનર ગાય જેવી જ દૂધ ઉત્પાદન ક્ષમતા, આરોગ્ય અને આનુવંશિક લક્ષણો ધરાવે છે. પરિણામે રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓની સંખ્યામાં વધારો થશે.
દૂધ ઉત્પાદન અને આવકમાં વધારો
ઉચ્ચ ગુણવત્તાવાળી ગીર ગાયો (Gir Cow)ના સંવર્ધનથી રાજ્યના દૂધ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. વધુ દૂધ ઉત્પાદન એટલે ડેરી ઉદ્યોગને મજબૂતી અને પશુપાલકોની આવકમાં સીધો વધારો. આ ટેકનોલોજી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
શ્વેત ક્રાંતિને નવી ઊંચાઈ
IVF ટેકનોલોજી દ્વારા ગુજરાત ફરી એકવાર શ્વેત ક્રાંતિમાં અગ્રેસર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પશુપાલન વિભાગની આ પહેલ રાજ્યના પશુપાલકો માટે ‘કામધેનુ’ સમાન સાબિત થશે અને વૈજ્ઞાનિક પશુપાલન તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાશે.
આ પણ વાંચો:ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
આ પણ વાંચો:દ્વારકાધીશના શરણે CM ભૂપેન્દ્ર પટેલ, જગતમંદિરમાં પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા
