Palanpur News:પાલનપુર નજીક આવેલી જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ(Food poisoning) ની ગંભીર ઘટના સામે આવી છે.સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરના ભોજન પછી 38 વિદ્યાર્થિનીઓને અસર થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક અને રાજ્યસ્તરે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને સતર્ક કરી દીધા છે, જ્યારે વિપક્ષી નેતાઓએ તંત્ર પર આરોપો લગાવ્યા છે.
જગાણા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જે આદિવાસી અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર (Central Government)ની યોજના હેઠળ ચાલે છે,માં આ ઘટના બપોરે 12:30 વાગ્યે થયેલા ભોજન પછી સાંજે 5:30 વાગ્યે શરૂ થઈ. પ્રારંભમાં લગભગ 10 વિદ્યાર્થિનીઓમાં માથાનો દુખાવો, ઉલટી, પેટનો દુખાવો અને બળતરા જેવા લક્ષણો જોવા મળ્યા. સ્કૂલના સ્ટાફે તરત જ તેમને હોસ્ટેલના ડોક્ટરની સલાહ પર પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા.
ત્યારબાદ, વધુ વિદ્યાર્થિનીઓ (students)માં સમાન લક્ષણો જણાતા કુલ 38 વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ સ્કૂલમાં કુલ 600થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ છે, જેમાંથી મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ છે. ફારેન્સિક ટીમે હોસ્ટેલના ભોજનના નમૂના લઈ લીધા છે, અને પાણીજન્ય રોગચાળાની આશંકા વચ્ચે હોસ્ટેલ (Hostel)ના પાણીનું ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરમાલભાઈએ જણાવ્યું કે, “એકલવ્ય મોડેલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ (Food poisoning) થયું છે. આરોગ્ય વિભાગે તરત જ સારવાર શરૂ કરી છે અને તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ હાલ સ્થિર છે.
ફૂડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર હેઠળની વિદ્યાર્થિનીઓની સારવાર
હોસ્પિટલમાં તેમને IV ફ્લૂઇડ્સ અને એન્ટી-બાયોટિક્સ આપવામાં આવી રહ્યા છે.” પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સુનિલ જોશીએ વધુ વિગતો આપતા કહ્યું, “ફૂડ પોઈઝનિંગની અસર હેઠળની વિદ્યાર્થિનીઓ સારવાર લઈ રહી છે. તમામની સ્થિતિ સ્થિર છે અને કોઈ જીવલેણ જોખમ નથી. શાળાનો સ્ટાફ પણ હોસ્પિટલમાં હાજર રહીને દેખરેખ રાખી રહ્યો છે.” હાલમાં વિદ્યાર્થિનીઓને ડિસ્ચાર્જ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને અવલોકનમાં રાખવામાં આવશે.સ્કૂલના પ્રિન્સિપાલ સંજય મિશ્રાએ ઘટના વિશે વાત કરતા કહ્યું, “સાંજે 5:30 વાગ્યે 10 વિદ્યાર્થિનીઓને માથામાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ હતી. અમારા ડોક્ટરની સલાહથી તેમને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓએ ભોજન 12:30 વાગ્યે લીધું હતું અને આ સમસ્યા સાંજે શરૂ થઈ હતી. પહેલા 10 બાળકોને અને બાદમાં વધુને પણ આ સમસ્યા થતાં તમામને હોસ્પિટલ લાવવામાં આવી હતી.”પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું કે, સ્કૂલમાં ભોજનની ગુણવત્તા પર નિયમિત તપાસ કરવામાં આવે છે, પરંતુ આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી.
આ ઘટના પર વિપક્ષી પક્ષ NSUIના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ડામોરે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “જગાણા એકલવ્ય મોડેલ સ્કૂલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે. અહીં પહેલા પણ બાળકોને જમવામાં સમસ્યાઓ આવી છે. હાલ 35થી વધુ નાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. બાળકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. દાંતાની વેકરી આશ્રમશાળામાં પણ આવી ઘટના બની હતી અને એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. તંત્ર શા માટે બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યું છે? આમાં જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.”
આ પણ વાંચો:ગાંધીનગરના ઝાક ગામમાં ફૂડ પોઈઝનિંગનો ગંભીર કિસ્સો,106 બાળકો પ્રભાવિત, 12 સિવિલ હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો:નવસારીના જલાલપુરમાં 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા
આ પણ વાંચો:અમરેલીના દરેડ ગામે 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું
