Jaipur Car Accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક નશામાં ધૂત કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો છે. ટાંક રોડ પર ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કારે લાલ સિગ્નલ પર ઉભેલા 5 વાહનોને જોરદાર ટક્કર મારી હતી અને અંતે મોલની દીવાલ તોડીને અટકી હતી. આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

Jaipur :કિસાન માર્ગ રેડ લાઈટ પાસે અકસ્માત
ગુરુવારે બપોરે અંદાજે 1 વાગ્યે ટાંક રોડ પર આવેલા કિસાન માર્ગ રેડ લાઈટ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક ઓવરસ્પીડ કારે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને કાર મહિમા મેગ્નેસ મોલની રેલિંગ અને દીવાલ તોડીને અંદર ઘુસી ગઈ હતી.
નશામાં હતો ડ્રાઈવર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કાર બાપુનગરનો રહેવાસી રાજેશ ખંડેલવાલ (30) ચલાવી રહ્યો હતો. અકસ્માત સમયે તે દારૂના નશામાં ધૂત હતો. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. આ અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લોકોએ ચખાડ્યો મેથીપાક
અકસ્માત થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બેફામ કાર ચલાવનારા ડ્રાઈવરને જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને કેટલાક લોકોએ ડ્રાઈવરની પિટાઈ કરી દીધી હતી. જોકે, પોલીસે સમયસર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ પણ વાંચો:ગાંધીનગરમાં 3 વર્ષમાં અકસ્માતથી 640નાં મોત
આ પણ વાંચો:મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં કાર હંકારી કર્યો અકસ્માત
આ પણ વાંચો:મુંબઈમાં અક્ષય કુમારની એસ્કોર્ટ કારનો અકસ્માત, ઓટો-રિક્ષા સાથે ટક્કર, બે ઘાયલ
