Mehsana : શહેરના ફુવારા સર્કલ નજીક ગત રાત્રે નશાની હાલતમાં એક કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી અનેક વાહનોને ટક્કર મારી અકસ્માત (Accident) કરતા ભારે હોબાળો મચ્યો હતો. તપાસમાં ખુલ્યું કે કાર ચલાવનાર શખ્સ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ હતા. પોલીસે તેમને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Accident ને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી

મહેસાણા શહેર કોંગ્રેસના નવીન ઉદ્ઘાટન થનાર કાર્યાલયની નજીક ફુવારા સર્કલ પાસે પાર્થ રાવલે પોતાની કાર બેફામ હંકારી અન્ય વાહનો સાથે અથડાવી હતી. અકસ્માત (Accident) ને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને રાહદારીઓ તથા સ્થાનિક લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
નશાની હાલતમાં હોવાની લોકોએ કરી પુષ્ટિ
સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે કારચાલક સ્પષ્ટ રીતે નશાની હાલતમાં હતો. ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હંગામો સર્જાયો હતો.
કારમાંથી ‘રાજસ્થાન ઓન્લી ફોર સેલ’ દારૂની બોટલ મળી
ઘટનાની જાણ થતા મહેસાણા એ-ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પાર્થ રાવલની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેના પર ‘રાજસ્થાન ઓન્લી ફોર સેલ’ લખેલું લેબલ જોવા મળ્યું હતું. પાર્થ રાવલ પોતે પણ નશામાં હોવાનું સ્પષ્ટ થતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
ઉલ્લેખનીય છે કે પાર્થ રાવલને ગત નવેમ્બર માસમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા મહેસાણા શહેર મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. મહત્વપૂર્ણ હોદ્દા પર રહી કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાતા રાજકીય આલમમાં ચર્ચાઓ તેજ બની છે.
હાલમાં મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાર્થ રાવલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
