Jamnagar News: જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. શાસક પક્ષના ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ રાઠોડે 8 ઓગસ્ટે સવારે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં કચરાની ગાડીઓમાં કચરાની જગ્યાએ ભંગાર, કેરણ અને માટી ભરીને વજન વધારવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. મુરલીધર વે બ્રિજ નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ગાડીઓની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
કચરાની જગ્યાએ ભંગાર અને માટી ભરવાનો આક્ષેપ
જામનગર મનપા (Jamnagar Municipal Corporation) દ્વારા શહેરના અલગ-અલગ વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કચરાના વજનના આધારે બિલિંગ કરવામાં આવે છે.આક્ષેપ મુજબ, કચરાની ગાડીઓમાં વજન વધારવા માટે ગાડીનો એક ભાગ ખાલી રાખવામાં આવતો હતો અને બીજા ભાગમાં ભંગાર, કેરણ તથા માટી ભરવામાં આવતી હતી. આ રીતે કચરાનું વજન વધારે દર્શાવીને બિલિંગમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બે એજન્સીઓને કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ
મળતી માહિતી મુજબ, મનપા (Jamnagar Municipal Corporation)ના વોર્ડ 1થી 8 માટે ‘ઓમ સ્વચ્છતા એજન્સી’ને કચરો એકત્રિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ 9થી 16 માટે ‘ગુજરાત કામદાર સહકારી લી. વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસ’ને જવાબદારી સોંપવામાં આવી છે.ચેકિંગ દરમિયાન આ એજન્સીઓ સાથે સંકળાયેલી ગાડીઓના વજન અને તેમાં રહેલા સામાન અંગે સવાલો ઊભા થયા છે.
ખાનગી કાંટા પર વજન કરાવવાનો આક્ષેપ
આ મામલે માત્ર ગાડીઓમાં વજન વધારવા પૂરતો જ સવાલ નથી, પરંતુ વજન માપવાની પ્રક્રિયા અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.એક એજન્સી મુરલીધર વે બ્રિજ નજીક વજન કરાવતી હોવાનો અને બીજી એજન્સી પોતાના ખાનગી કાંટા પર વજન દર્શાવતી હોવાનો આક્ષેપ છે. મનપા (Jamnagar Municipal Corporation)ની સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત ચકાસણી કરવામાં આવતી નથી અને યોગ્ય તપાસ વિના બિલ મંજૂર કરવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આ સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે કે કેમ તે અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.

ગુલાબનગરના ડમ્પિંગ પોઈન્ટ પર કચરાનો ઢગલો
જામનગરના વોર્ડ નંબર 11 (Jamnagar Municipal Corporation)માં ગુલાબનગર નજીક આવેલા ડમ્પિંગ પોઈન્ટની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમયસર કચરો ઉપાડવામાં ન આવતા અહીં કચરાના મોટા ઢગલા જોવા મળે છે.કચરાના ઢગલાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાવાની સાથે સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
પ્લાસ્ટિક ખાવાથી ગૌવંશના મોતનો દાવો
ડમ્પિંગ પોઈન્ટ પર ખુલ્લામાં પડેલા કચરામાં પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ હોવાના કારણે ગૌવંશ તેને ખાઈ લેતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે પ્લાસ્ટિક ખાવાના કારણે ગૌવંશના મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે.આ મુદ્દે કચરાના યોગ્ય નિકાલ અને ડમ્પિંગ પોઈન્ટને તાત્કાલિક ખસેડવાની માંગ કરવામાં આવી છે.

બંને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની માંગ
ગેરરીતિના આક્ષેપો બાદ બંને કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ટેન્ડરની શરતોનો ભંગ સાબિત થાય તો બંને એજન્સીઓના કોન્ટ્રાક્ટ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ સમગ્ર મામલાની વિજિલન્સ મારફતે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તેવી માંગ છે. તપાસમાં જો મનપા (Jamnagar Municipal Corporation)ના કોઈ અધિકારીની સંડોવણી અથવા બેદરકારી સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
ડમ્પિંગ પોઈન્ટ ખસેડવાની માંગ
ગુલાબનગર નજીકના ડમ્પિંગ પોઈન્ટને કારણે સ્થાનિકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક ખાલી કરીને શહેરની બહાર યોગ્ય સ્થળે ખસેડવાની માંગ પણ કરવામાં આવી છે.હવે સમગ્ર મામલે મનપા (Jamnagar Municipal Corporation) તંત્ર દ્વારા શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ એજન્સીઓ સામે શું પગલાં લેવાય છે અને વજન તથા બિલિંગની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
આ પણ વાંચો:જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, NHM કર્મચારી સામે પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:જામનગરમાં GST વિભાગના મોટા દરોડા, 100 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ બહાર આવવાની શક્યતા
