Entertainment News: તમિલ સિનેમાના જાણીતા અભિનેતા રવિ મોહન, જેમને લોકો ‘જયમ રવિ’ (Jayam Ravi) તરીકે ઓળખે છે, તેમણે શનિવારે ચેન્નાઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના અંગત જીવનની મુશ્કેલીઓ ખુલ્લેઆમ રજૂ કરી અને ભાવુક બની ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
ગત બે વર્ષથી તેમની પત્ની આરતી રવિ સાથે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદ, સોશિયલ મીડિયા પર થતી સતત ટ્રોલિંગ તેમજ સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથે તેમના નામ જોડાતા વધતા વિવાદોથી તેઓ માનસિક રીતે થાકી ગયા હોવાનું તેમણે જણાવ્યું. આ દરમિયાન તેમણે એક મોટો નિર્ણય જાહેર કર્યો કે કોર્ટ દ્વારા તેમના છૂટાછેડાને કાયદેસર મંજૂરી ન મળે ત્યાં સુધી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સંપૂર્ણપણે દૂર રહેશે.
જ્યાં સુધી મારા ડિવોર્સ નહીં થાય, ત્યાં સુધી હું એક્ટિંગ નહીં કરૂં
જયમ રવિ (Jayam Ravi) એ પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈને જણાવ્યું કે જ્યાં સુધી તેમના છૂટાછેડાનો કાયદેસર નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ ફિલ્મોમાં કામ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે હવે તેમની અંદર કામ કરવાની શક્તિ બાકી રહી નથી અને સતત ચાલી રહેલા સાયબર બુલિંગથી તેઓ ખૂબ તણાવમાં છે. તેમના અનુસાર, જ્યારે ડિવોર્સની પ્રક્રિયા પૂર્ણ થશે અને ઓનલાઈન ટ્રોલિંગ બંધ થશે, ત્યારે જ તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકશે અને કેમેરા સામે પરત ફરશે.
મને ગુલામની જેમ રખાયો: જયમ રવિ (Jayam Ravi)
આ દરમિયાન તેમણે પોતાની પત્ની અને સાસરિયા પક્ષ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમનું કહેવું હતું કે તેમને લાંબા સમય સુધી “ગુલામ જેવી સ્થિતિ”માં રાખવામાં આવ્યા હતા. તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો કે આરતી રવિ તરફથી આત્મહત્યા કરવાની ધમકીઓ આપી તેમને માનસિક રીતે દબાણમાં રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ આ લગ્નજીવનમાં ખૂબ જ તણાવ અને ‘ડેથ વિશ’ જેવી સ્થિતિમાં રહ્યા હતા.
કેનિશા ફ્રાન્સિસની પોસ્ટ બાદ વધ્યો વિવાદ, ચેન્નાઈ છોડવાના સંકેત
આ સમગ્ર વિવાદ ત્યારે વધુ તેજ બન્યો જ્યારે જયમ રવિ (Jayam Ravi) ની નજીકની મિત્ર અને સ્પિરિચ્યુઅલ થેરાપિસ્ટ કેનિશા ફ્રાન્સિસે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી, જેમાં તેમણે સંબંધો અને ચેન્નાઈ છોડવાની તરફ ઈશારો કર્યો હતો. આ ઘટના બાદ રવિએ જણાવ્યું કે સતત થતા ઓનલાઈન ટ્રોલિંગના કારણે કેનિશાને પરિસ્થિતિમાંથી દૂર થવું પડ્યું છે.
બીજી તરફ, રવિએ કોઈનું સ્પષ્ટ નામ લીધા વિના એક વરિષ્ઠ અભિનેત્રીને “ઇડલી નડીગાઈ” તરીકે સંબોધન કર્યું હતું, જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ટિપ્પણીને લોકો તમિલનાડુની જાણીતી અભિનેત્રી અને રાજકારણી ખુશ્બુ સુંદર સાથે જોડીને જોઈ રહ્યા છે, કારણ કે તેઓ આરતી રવિના પરિવારના નજીકના માનવામાં આવે છે.
રવિનો વધુ આક્ષેપ એવો છે કે કેટલાક બહારના લોકો તેમના પારિવારિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે અને તેમને તેમના બે પુત્રો આરવ અને અયાનને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી.
આરતી રવિનો કડક જવાબ: “મારી શાંતિને નબળાઈ ન સમજો”
જયમ રવિ (Jayam Ravi) દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપોનો જવાબ આપતાં તેમની પત્ની આરતી રવિએ ઇન્સ્ટાગ્રામ પર કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમની શાંતિને કોઈએ નબળાઈ સમજી ન લેવી જોઈએ અને જરૂર પડશે તો તેઓ પોતાના બાળકો તથા સ્વાભિમાનની રક્ષા માટે તમામ સત્ય જાહેર કરશે.
આ પોસ્ટ બાદ અભિનેત્રી ખુશ્બુ સુંદરએ આરતીને સમર્થન આપતાં તેમને “સિંહણ” તરીકે સંબોધી હતી. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2024માં જ બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ 2025માં હાઈકોર્ટ દ્વારા બંનેને સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ હાઈપ્રોફાઈલ છૂટાછેડાનો વિવાદ હવે વધુ ઉગ્ર બનતાં સમગ્ર દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેની ચર્ચા જોર પકડી રહી છે.
