માયાજાળ/ ભાનુશાળીને જાળમાં ફસાવવા કોમલ નામની યુવતી ઉભી કરાઇ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive
02 ભાનુશાળીને જાળમાં ફસાવવા કોમલ નામની યુવતી ઉભી કરાઇ

@ નિકુંજ પટેલ

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 2)

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા થ્રીલથી ભરપુર આ ઘટનાક્રમમાં મુખ્ય સુત્રધાર છબીલ પટેલ દિલ્હીના દ્વારકા નોર્થ પોલીસ સ્ટેશનમાં થયેલા દુષ્કર્મની ફરિયાદમાં ધરપકડ થશે એવા ડરને પગલે ફફડી ગયો હતો. જેને પગલે છબીલ 16/11/2018થી 21/11/2018 સુધી મસ્કત (ઓમાન) જતો રહ્યો. એટલું જ નહીં આગોતરા જામીન અરજી મંજુર થાય પછી જ ભારત આવવાનો ઈરાદો નક્કી કરી નાંખ્યો હતો.

બીજી તરફ મસ્કત ખાતે રહેતા છબીલ પટેલના ઓળખીતા મનોજ પટેલની પત્ની ભાવના પટેલને કોમલ પટેલ બનાવી દેવાઈ હતી. આ કાલ્પનિક સ્ત્રી કોમલ પટેલને મનીષા ગજ્જુગિરી ગોસ્વામીના ફોનથી વોટ્સએપ કોલ દ્વારા જ્યંતી ભાનુશાળી સાથે વાત કરાવવામાં આવી હતી. આ કોમલ દ્વારા જ જ્યંતી ભાનુશાળીને રાંચીમાં રૂબરૂ મળવા આવવા લલચાવવામાં આવ્યો હતો. ભાનુશાળી પણ કોમલને મળવા રાંચી જવા તૈયાર થઈ ગયો હતો.

દરમિયાન દિલ્હી પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં 19/11/2018ના રોજ છબીલ પટેલના આગોતરા જામીન મંજુર થઈ ગયા. જેને પગલે છબીલ 21/11/2018ના રોજ ભારત પાછો ફર્યો હતો. પોલીસે છબીલ પટેલના પાસપોર્ટ પરથી ડિપાર્ચર એન્ટ્રી મળતા તે ભારત આવી ગયો હોવાનું પોલીસ રેકોર્ડમાં પાછળથી બહાર આવ્યું હતું.

છબીલ અને આ કેસનો હત્યારો સુજીત પરદેશી ઉર્ફે ભાઉ 22/11/2018નાં રોજ દિલ્હીમાં હતા ત્યારે છબીલે પોતાના નવા સીમ કાર્ડ પરથી મનીષા ગોસ્વામીને ફોન કર્યો હતો. મનીષાએ પણ છબીલને વળતો મેસેજ કર્યો હતો. આમ આરોપીઓ રાંચીમાં ભાનુશાળીની હત્યાના પ્લાન માટે સતત સંપર્કમાં હતા. રાંચીમાં જ ભાનુશાળીને ખતમ કરી નાંખવાના કાવતરા મુજબ છબીલ અને સુજીત પરદેશીએ રાંચી જઈને હત્યા માટેની જગ્યા નક્કી કરવાનું નક્કી કર્યું હતું.

આ પ્લાન મુજબ સુજીત અને છબીલ 25.11.2018ના રોજ ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E-125માં અમદાવાદથી કોલકાતા પહોંચ્યા હતા. અહીંથી બન્ને જણા ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E-344માં રાંચી પહોંચ્યા હતા.

રાંચીમાં જ્યાં હત્યા કરવાની હતી તે સ્થળથી વાકેફ થઈને છબીલ અને સુજીત 26.11.2018ના રોજ ઈન્ડીગો એરલાઈન્સ ફ્લાઈટ નંબર 6E-108 માં રાંચીથી બેંગ્લોર અને ત્યાંથી ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E-6779 માં બેંગ્લોરથી 27.11.2018નાં રોજ અમદાવાદ પરત આવ્યા.

મનીષા ગોસ્વામી અને સુજીત ભાઉ પોતાના સંપર્કમાં હોવાથી છબીલ પટેલને જ્યંતી ભાનુશાળીની હત્યા કરવામાં તકલીફ નહી પડે એવી ખાતરી હતી. જેમાં સુજીતે પોતાના સંપર્કમાં રહેલા મહારાષ્ટ્રના વિશાલ નાગનાથ કાંબળેનો સંપર્ક કર્યો અને બાદમાં છબીલ પટેલ સાથે મુલાકાત કરાવી. પૂણેના યરવડા સ્થિત લક્ષ્મીનગરમાં રહેતા કાંબળે વિરૂધ્ધ યરવડા પોલીસ સ્ટેશનમાં 2019માં હત્યાનો ગુનો પણ નોંધાયેલો હતો.

છબીલે તેની વિરૂધ્ધ દિલ્હી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો ત્યારબાદ 20/10/2018થી 30/10/2018 દરમિયાન જ ભાનુશાળીની હત્યાનું કાવતરૂ ઘડવાની પુર્વ તૈયારી કરી લીધી હતી. જેમાં મનીષા ગોસ્વામી, સુજીત પરદેશી ઉર્ફે ભાઉ, વિશાલ નાગનાથ કાંબળે અને અન્ય એક શાર્પ શૂટર નિખીલ થોરાતને ભૂજ બોલાવવામાં આવ્યા હતા. પ્લાન મુજબ આ તમામ આરોપીઓ એક સાથે 23/10/2018નાં રોજ વાપીથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર 22955માં ભૂજ પહોંચ્યા હતા. જ્યાં તમામ આરોપીઓની મિટીંગ થઈ હતી. આ મુલાકાત દરમિયાન છબીલ પટેલે ભુજમાં જ વિશાલ કાંબળેને ભાડુતી હત્યારા શોધવા માટે રૂ.30,000 આપ્યા હતા.

આમ મુખ્ય સુત્રધાર છબીલ પટેલે જ્યંતી ભાનુશાળીની હત્યા માટેના હત્યારા શોધવાની કામગીરી વિશાલ કાંબળેને સોંપી દેવાઈ હતી. તાત્કાલિક વિશાલે દિવાળીના બે ત્રણ દિવસ પહેલાજ પૂણે યરવડા ખાતે જઈને હત્યાની સોપારી લેવા માટે પોતાના કૌટુંબિક સાળા શશીકાંત ઉર્ફે બિટીયા દાદાશંકર કાંબળેના કાનમાં વાત નાંખી હતી.

ત્યારબાદ માસ્ટર માઈન્ડ છબીલ પટેલ સાથે નક્કી થયા મુજબ 9/11/2018નાં રોજ નવી મુંબઈ વાશી ખાતેના ઈનઓરબીટ મોલ ખાતે આ અંગેની મિટીંગની ગોઠવણ કરવામાં આવી હતી.

આ મહત્વની મિટીંગમાં વિશાલ કાંબળે શાર્પ શૂટર શશીકાંત ઉર્ફે બિટીયા દાદાશંકર કાંબળેને લઈને 9/11/2018નાં રોજ પૂણેથી મુબઈ આવ્યો હતો. તે જ દિવસે નક્કી થયા મુજબ બપોરે 4 વાગ્યે બન્ને આરોપીઓએ છબીલ પટેલ સાથે મુલાકાત કરી હતી. આજ મિટીંગમાં શુટર શશીકાંત કાંબળેએ પોતાનો પુર્વ ઈતિહાસ છબીલ પટેલને જણાવી પોતે કેટલો મોટો શુટર છે તે શાનમાં સમજાવી દીધું હતું.

કાંબળેનો પુર્વ ગુનાહિત રેકોર્ડ જોઈને સંતુષ્ટ થયેલા છબીલ પટેલે જ્યંતી ભાનુશાળીની હત્યાનો સોદો 30 લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો. એટલું જ નહી બન્ને આરોપીને એડવાન્સ પેટે પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા 5 લાખ રૂપિયા એડવાન્સ પેટે ચુકવી પણ દીધા. આ એ જ રૂપિયા હતા જે આરોપી જ્યંતી જેઠાલાલ ઠક્કરે 9/11/2018ના રોજ મુંબઈના વાશી સ્થિત ઈન ઓરબીટ મોલ પાસે છબીલ પટેલને મોકલાવ્યા હતા. જે એડવાન્સ રકમ આપવામાં આવી હતી તે આરોપીઓને શસ્ત્રો ખરીદવા તેમજ આગોતરા આયોજન માટે એડવાન્સરૂપે આપવામાં આવ્યા હતા.

જો છબીલ પટેલ મુખ્ય સુત્રધાર છે તો પછી જ્યંતી ઠક્કરનો પડદા પાછળનો ખતરનાક ઈરાદો શું હતો… જુઓ આગામી એપીસોડમાં…