Mahisagar News : મહીસાગરના સંતરામપુર તાલુકાના સણબાર ગામે સંવેદનશીલ ઘટના બની છે. જેમાં સણબાર ગામમાં 150થી વધુ લોકોને ખુલ્લી સરકારી જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. બીજીતરફ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી કેટલાક અસામાજિક તત્ત્વોએ 150થી વધુ સમાધિઓને તોડી પાડી છે. જેને પગલે જમીનમાં દટાયેલા પૂર્વજોના કંકાલ બહાર આવી ગયા હતા.
આ ઘટનાને લઈને ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ લોકોને કડકમાં કડક સજા થાય અને અમને ન્યાય મળે, એવી ગામના લોકોની માંગ છે. પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવ સંદર્ભે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય ફરાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર મા આ ઘટના બે દિવસ પહેલા બની હતી
એક સમાજના લોકોના મૃતક વડીલો માટે સણબાર ગામમાં વર્ષોથી જૂની ખુલ્લી જગ્યામાં સમાધીઓ બનાવવામાં આવી હતી. ગામ લોકો દ્વારા પરિવારમાં કોઈ મરણ ગયેલા પૂર્વજોની ગામની સરકારી પડતર ખુલ્લી જગ્યામાં 150 જેટલી સમાધિઓ બનાવવામાં આવી હતી. બે દિવસ અગાઉ મધ્યરાત્રિના આ સમાધિઓ પર જેસીબી અને ટ્રેક્ટર ચલાવી દેવાયું હતું.
નરકંકાલ બહાર આવ્યા
પૂર્વજોના નરકંકાલ બહાર આવી જતાં સમાજના લોકોની લાગણી દુભાઈ છે. સમાજના લોકો આ અંગે જાણ થતાં સમાધી સ્થળે પહોંચ્યા હતા અને આમનેસામને આવી ગયા હતા. બીજીતરફ માથાભારે ઇસમો ઉગ્ર બન્યા હતા. આ અંગેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ થયા છે. આ અંગેની પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મામલો થાળે પાડવા માથાભારે ઇસમો સહિત ટોળાંને વિખેર્યું હતું.
ફરાર લોકોની શોધખોળ
આ અંગે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક સરપંચના પતિ અને હાજર ટોળાં વિરુદ્ધ ગુનો નોંધી પાંચ જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેસીબી તેમજ ટ્રેક્ટર કબજે કરી અન્ય ફરાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

