Jharkhand Simdega Scorpio Accident: દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાંથી શુક્રવારની વહેલી સવારે અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતો સામે આવ્યા છે. આ બંને ભીષણ અકસ્માતોમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી) અને ૩ માસૂમ બાળકો સહિત કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાળમુખા બનેલા હાઈવે પર સર્જાયેલી આ બંને ઘટનાઓને પગલે પોલીસ પ્રશાસન સહિત સ્થાનિક પંથકોમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.
Accident: એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા
પહેલો અકસ્માત ઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પ્રખંડ હેઠળના અઘરમા નજીક સર્જાયો હતો. અહીં એક સ્કોર્પિયો કાર અચાનક અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા એક વિશાળ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ એક જ પરિવારના ૫ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ લોહરદગાના રહેવાસી 58 વર્ષીય ગુલામ મુસ્તફા, તેમની ૫૫ વર્ષીય પત્ની ગુલશન પરવીન અને ત્રણ માસૂમ બાળકો તરીકે થઈ છે.
મળતી વિગતો મુજબ, આ દુર્ભાગી પરિવાર પોતાની દીકરીના સાસરે લસિયા ગામ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બે દીકરીઓ, એક બાળક અને ડ્રાઈવર અકરમ ખલીફાને અત્યંત નાજુક હાલતમાં રાંચીની રીમ્સ (RIMS) હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોઈને ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા.
Accident: પોલીસ બેડામાં માતમ
બીજી કાળઝાળ ઘટના બિહારના બેગુસરાઈ જિલ્લાના સાહેબપુર કમાલ થાણા વિસ્તારમાં NH-31 પર મોડી રાત્રે સર્જાઈ હતી. પટના ખાતે આયોજિત એક દિવસીય સત્તાવાર ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કરીને કાર દ્વારા મધેપુરા પરત ફરી રહેલા પોલીસ અધિકારીઓની કાર આગળ જઈ રહેલા એક હાઈસ્પીડ ટ્રક સાથે પાછળથી ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં મધેપુરા જિલ્લાના ત્રણ થાણા પ્રભારીઓ સાજન પાસવાન (રતવારા થાણા), નીરજ કુમાર (બેલારી થાણા), જ્ઞાનેન્દ્ર અમરેન્દ્ર (આરર થાણા) અને તેમના ખાનગી ડ્રાઈવર જ્યોતિષ કુમારનું કરુણ મોત નીપજ્યું છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે બે થાણા પ્રભારી અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ ગાડીની અંદર જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા અધિકારી સાજન પાસવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બેગુસરાઈના એસપી (SP) મનીષ કુમાર અને ડીઆઈજી (DIG) શૈલેષ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. દેશ અને રાજ્યની સેવા કરતા જાંબાઝ અધિકારીઓના આકસ્મિક અવસાનથી બિહાર પોલીસ વિભાગમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: બિહારના રોહતાસમાં ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
આ પણ વાંચો: બિહારમાં ‘ગંભીરા બ્રિજ’ જેવી દુર્ઘટના, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા પુલનો સ્લેબ તૂટ્યો
આ પણ વાંચો: ઉધના સ્ટેશન પર શ્રમિકોની લાચારી! UP-બિહારના લોકો પર લાઠીચાર્જ, બંગાળી મતદારો માટે ફ્રી AC ટ્રેન
