Junagadh Savaj Dairy Chairman Challenge: જૂનાગઢ જિલ્લાનું રાજકારણ અત્યારે ચરમસીમાએ પહોંચ્યું છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા વચ્ચેનો વર્ષો જૂનો ગજગ્રાહ હવે ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયો છે. માણાવદર તાલુકાના એક કાર્યક્રમમાં દિનેશ ખાટરીયાએ જવાહર ચાવડા પર આકરા પ્રહારો કરતા તેમને ‘શિખંડી’ સાથે સરખાવ્યા છે અને પીઠ પાછળ ખંજર ભોંકવાને બદલે મેદાનમાં આવવા લલકાર્યા છે.
Junagadh: કેમ ભભૂકી આ રાજકીય લડાઈ?
તાજેતરમાં યોજાયેલી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર લડેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાના પુત્રવધૂની હાર થઈ હતી. આ હાર પાછળ ભીતરી વિરોધ હોવાની ચર્ચા વચ્ચે ખાટરીયાએ સીધું નિશાન જવાહર ચાવડા પર સાધ્યું છે.

જવાહર ચાવડાના નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ
દિનેશ ખાટરીયાએ આંકડાકીય વિગતો ટાંકીને જવાહર ચાવડાના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું હતું કે ૨૦૨૧માં જ્યારે જવાહર ચાવડા કેબિનેટ મંત્રી હતા, ત્યારે સમગ્ર જિલ્લામાં ભાજપને માંડ 6 બેઠકો મળી હતી અને સંગઠન નબળું પડ્યું હતું. જોકે, વર્તમાનમાં માણાવદર વિધાનસભાની 8 માંથી 7 જિલ્લા પંચાયત બેઠકો ભાજપે જીતી છે અને માણાવદરમાં 13, વંથલીમાં 11 તથા મેંદરડામાં 10 બેઠકો સાથે ભાજપ મજબૂત થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો, સાથે જ બાટવા, માણાવદર અને વંથલી ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
‘શિખંડી’ અને ‘પીઠ પાછળ ખંજર’ જેવા આકરા વેણ
પોતાના સંબોધનમાં આક્રમક બનેલા દિનેશ ખાટરીયાએ કહ્યું કે, “મારી લડાઈ જવાહર ચાવડા સામે રાજકીય અને નૈતિક છે. જો તાકાત હોય તો શિખંડીની જેમ પડદા પાછળ રહીને પક્ષના કાર્યકરોને નુકસાન પહોંચાડવાનું બંધ કરો અને ખુલ્લેઆમ મેદાનમાં આવો.” તેમણે પડકાર ફેંકતા ઉમેર્યું કે આગામી વિધાનસભા કે પંચાયતની ચૂંટણીમાં છળકપટ કરવાને બદલે સામે ચાલીને લડત આપો, જનતા તમને ચોક્કસ પાઠ ભણાવશે.
આ પણ વાંચો: જૂનાગઢના મેઘાણીનગરમાં ભીષણ આગ, 10 વાહનો બળીને રાખ
આ પણ વાંચો: જૂનાગઢ વોર્ડ નંબર-3માં ભાજપના નગરસેવકનું સભ્યપદ રદ
આ પણ વાંચો: જૂનાગઢ-દેલવાડાના રૂટ પર પસાર થતી ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લાગશે
