Junagadh News: જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં જાહેર કરાયેલી ટીપી સ્કીમ નંબર-6 (Junagadh TP Scheme 6)ને લઈને સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્કીમ સામે વાંધા રજૂ કરવા માટે જોશીપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાંથી અંદાજે 1500થી 2000 જેટલા લોકો બહુમાળી ભવન ખાતે આવેલી નગર નિયોજક કચેરીએ પહોંચ્યા હતા. આ વિરોધમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સ્થાનિક કોર્પોરેટરો પણ રહીશોની સાથે જોવા મળ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ટીપી સ્કીમના કારણે વર્ષોથી વિકસિત રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

5 હજારથી વધુ નોટિસને લઈને નારાજગી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જોશીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમ-6 (Junagadh TP Scheme 6) અંતર્ગત 5 હજારથી વધુ નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ રહીશોમાં ચિંતા વધી છે અને સ્કીમની જોગવાઈઓ સામે વાંધાઓ રજૂ કરવા માટે લોકો એકત્ર થયા હતા. રહીશોએ TPO કચેરી ખાતે વ્યક્તિગત તેમજ સામૂહિક વાંધા અરજીઓ રજૂ કરીને ટીપી સ્કીમ-6 રદ કરવાની માંગ કરી હતી.
‘નોટિસની જોગવાઈઓ સમજાતી નથી’: રહીશોનો આક્ષેપ
શક્તિનગર સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર ઠાકરે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આપવામાં આવેલી નોટિસમાં બેટરમેન્ટ ચાર્જ સહિતની કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા નથી. તેમણે દાવો કર્યો હતો કે કેટલીક સોસાયટીઓ વર્ષોથી બિનખેતી થયેલી અને વિકસિત છે.
આવા વિસ્તારોમાં પહેલેથી જ રસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં નવી ટીપી સ્કીમથી રહીશોને મુશ્કેલી પડી રહી હોવાનો તેમનો આક્ષેપ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક ખૂણાના મકાનોમાં બંને બાજુથી જગ્યા કપાતની અસર થવાની શક્યતા છે. જો લોકોના વાંધાઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

મકાન કપાત સામે વળતરનો મુદ્દો
જૂનાગઢના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ ટીપી સ્કીમ-6 (Junagadh TP Scheme 6) સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, જોશીપુરાના કેટલાક વિસ્તારો વર્ષોથી કાયદેસર રીતે વિકસિત છે અને અહીં રોડ, પાણી તથા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમનો આક્ષેપ છે કે રસ્તા પહોળા કરવાની પ્રક્રિયામાં કેટલાક રહેણાંક મકાનોની કપાત થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સાથે જ અસરગ્રસ્તોને યોગ્ય વળતર નહીં મળે અને તેના બદલે બેટરમેન્ટ ચાર્જનો બોજ આવશે તો સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી થશે.વિપક્ષી નેતાએ સરકારને જનહિતમાં ટીપી સ્કીમ-6 (Junagadh TP Scheme 6) અંગે પુનર્વિચાર કરી તેને રદ કરવાની માંગ કરી છે.

ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો પણ રહીશોની સાથે
આ વિરોધની ખાસ બાબત એ રહી કે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંને પક્ષના વોર્ડ નંબર-6ના કોર્પોરેટરો રહીશોની સાથે જોવા મળ્યા હતા. પક્ષીય મતભેદોને બાજુ પર રાખીને સ્થાનિક લોકોના પ્રશ્નને લઈને બંને પક્ષના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ રહીશોએ મોટી સંખ્યામાં વાંધા અરજીઓ રજૂ કરી છે. હવે નગર નિયોજક તંત્ર અને રાજ્ય સરકાર આ વાંધાઓ પર શું નિર્ણય લે છે તેના પર સ્થાનિકોની નજર છે. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી તબક્કે ગાંધીનગર સુધી આંદોલન લઈ જવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ટીપી સ્કીમ ધરાવતા વિસ્તારોમાંથી એનએની પ્રક્રિયા દૂર કરાશે
આ પણ વાંચો:સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન : ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ
આ પણ વાંચો:સરકાર પણ કૌભાંડીઓથી ત્રાસીઃ ટીપીની સમયમર્યાદામાં નોંધપાત્ર ઘટાડો
