Junagadh News: જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રી (Shivratri)મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમોના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. Junagadh Shivratri Melaમાં 2025માં કલાકારો પાછળ આશરે 7 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે 2026માં આ જ પ્રકારના કાર્યક્રમો માટેનો ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો હોવાનો આક્ષેપ છે. RTIથી મળેલી વિગતોમાં કેટલાક એવા કલાકારોના નામ સામે આવ્યા છે, જેમના મહેનતાણામાં માત્ર એક વર્ષમાં અનેક ગણો વધારો થયો હોવાનું જણાવાયું છે.
જૂનાગઢના Shivratriના મેળામાં કાલાકારોના ખર્ચમાં વધારો
2025ના મહાશિવરાત્રી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કલાકારો પાછળ આશરે 7 લાખ ખર્ચવામાં આવ્યા હતા. તેની સરખામણીએ 2026માં આ ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ખર્ચમાં સૌથી વધુ રકમ 24 લાખ ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને ચૂકવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અઘોરી ગ્રુપને 2025માં 1.50 લાખ ચૂકવાયા હતા, જ્યારે 2026માં તેમને 10 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
સ્થાનિક કલાકારોના મહેનતાણામાં 3થી 20 ગણો વધારો
RTI હેઠળ મેળવવામાં આવેલી માહિતી મુજબ, છ એવા કલાકારો છે જેમણે 2025 અને 2026 બંને વર્ષના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ કલાકારોને 2025માં ચૂકવવામાં આવેલી રકમની સરખામણીએ 2026માં ત્રણથી લઈને 20 ગણું વધુ મહેનતાણું ચૂકવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક કલાકારોને અગાઉ માત્ર 5 હજાર જેટલી રકમ ચૂકવવામાં આવી હતી, જ્યારે એક વર્ષ બાદ તેમને 1 લાખ સુધીની ચૂકવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા વધારાને લઈને મેળાના આયોજન અને ખર્ચની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે.
‘ગિરનારનો પૈસો કોઈને પચતો નથી’
જૂનાગઢ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયા (Bhavesh Vekariya)એ સમગ્ર મામલે સરકાર પાસે શ્વેતપત્ર જાહેર કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે ભવનાથ અને ગિરનાર શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર સ્થળ છે, તેને કમાણીનું સાધન બનાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે અગાઉના વર્ષોની સરખામણીમાં કલાકારોને ચૂકવવામાં આવેલી રકમમાં આટલો મોટો તફાવત કેમ આવ્યો તે અંગે સરકાર સ્પષ્ટતા કરે. સાથે જ સમગ્ર મામલાની તપાસ કરી જવાબદાર લોકો સામે પગલાં લેવાની પણ માગ કરી છે.
અધિકારીનો જવાબ: ‘વડી કચેરીથી નક્કી થયું’
જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ જણાવ્યું કે 2026ના મિની કુંભ અને મહાશિવરાત્રી મેળા દરમિયાન સ્થાનિક કલાકારો(Artist)ની પસંદગી સ્થાનિક સાંસ્કૃતિક કમિટી દ્વારા નિયમ મુજબ કરવામાં આવી હતી. કમિટીએ નક્કી કરેલી રકમ પ્રમાણે જ ચૂકવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. મોટા કલાકારોની પસંદગી અને તેમને કરવામાં આવેલી લાખોની ચૂકવણી અંગે તેમણે કહ્યું કે આ પ્રક્રિયા વડી કચેરી સ્તરેથી કરવામાં આવી હતી અને સ્થાનિક કચેરીની તેમાં કોઈ ભૂમિકા નહોતી.
અધિકારીના જણાવ્યા મુજબ, જીઇએમ પોર્ટલ મારફતે બે એજન્સીઓની પસંદગી કરવામાં આવી હતી અને કાર્યક્રમ દરમિયાન બહારથી આવતા અધિકારીઓ, મહેમાનો તથા અન્ય વ્યવસ્થાઓ માટે પણ ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે સરકાર તરફથી સત્તાવાર સ્પષ્ટતા અને તપાસ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: નાગા સાધુઓની રવાડી શરૂ, મહાશિવરાત્રી પર ભક્તો બન્યા શિવમય
આ પણ વાંચો: તાના-રીરી મહોત્સવનો 10 નવેમ્બરથી પ્રારંભ: વડનગર ખાતે બે-દિવસીય સમારોહમાં પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન રજૂ કરશે
