Junagadh News: જૂનાગઢ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના ફેઝ-2ના કામમાં બોગસ બિલો અને ખોટા દસ્તાવેજોના આધારે મોટા પાયે ભ્રષ્ટાચાર (Junagadh Underground Drainage Scam) થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જાગૃત નાગરિકો અને ભાજપના કેટલાક કાર્યકરોએ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. જૂનાગઢમાં ₹700 કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. આ પૈકી ફેઝ-2ના આશરે ₹450 કરોડના પ્રોજેક્ટમાં જ ₹150 કરોડથી વધુના ભ્રષ્ટાચાર (Junagadh Underground Drainage Scam)ના આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર રીતે પુષ્ટિ થવાની બાકી છે.
Junagadh Underground Drainage Scam: બોગસ બિલો અંગે ગંભીર આક્ષેપ
જાગૃત નાગરિક નરેશ ગોવિંદભાઈ ડવે આક્ષેપ કર્યો છે કે અગાઉના બોગસ બિલો અંગે રજૂઆતો અને દસ્તાવેજો સામે આવ્યા હોવા છતાં હજુ સુધી જવાબદારો સામે અસરકારક કાર્યવાહી થઈ નથી. તેમના જણાવ્યા મુજબ, ભૂગર્ભ ગટર યોજના (Junagadh Underground Drainage Scam)ના કામમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીના નામે બિલો દર્શાવવામાં આવ્યા છે. આ પેઢી વાસ્તવમાં અસ્તિત્વમાં ન હોવાનો અને તેની પાસે GST નંબર પણ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પેઢીના નામે ₹40 લાખથી વધુના બિલો દર્શાવી અંદાજે ₹2 કરોડના ભ્રષ્ટાચાર (Junagadh Underground Drainage Scam)નો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અધિકારીઓ, સિટી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી સરકારી કામના માપપોથી (MB)માં ખોટી નોંધો કરવામાં આવી હોવાનો પણ આરોપ છે. આ અંગે સ્થાનિક પોલીસને ઈ-મેલ મારફતે જાણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

11 બિલ બાદ આગળની માહિતી ન મળતી હોવાનો આરોપ
નરેશ ડવે વધુમાં જણાવ્યું કે 1થી 11 નંબર સુધીના બિલોમાં ગેરરીતિ દર્શાવતા દસ્તાવેજો મળ્યા હતા. પરંતુ 11થી 19 નંબર સુધીના બિલોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. પ્રથમ અપીલ અધિકારી અને માહિતી આયોગ દ્વારા દસ્તાવેજો વિનામૂલ્યે આપવા આદેશ હોવા છતાં સિટી ઇજનેર વિભાગ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવતી નથી એવો આક્ષેપ છે.
તેમણે જણાવ્યું કે ફેઝ-1માં પણ ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો અગાઉ સામે આવ્યા હતા. બીજી તરફ ફેઝ-2નું કામ અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને મનપાના રેકોર્ડમાં લગભગ 90થી 92 ટકા કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં નવી બનેલી સડકો તોડીને ગટરનું કામ કરવાની સ્થિતિ ઊભી થઈ હોવાના કારણે કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે પણ સવાલો ઊઠ્યા છે.

ગટર લાઈનમાં સિમેન્ટ ભરાઈ જતાં ચેમ્બરો ઉભરાવાની ફરિયાદ
જૂનાગઢ મનપાના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન સુભાષ રાદડિયાએ પણ પોતાના વિસ્તારમાં ગટરની સમસ્યા ગંભીર હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં ગટરની ચેમ્બરો વારંવાર ઉભરાઈ જાય છે. નવા રસ્તા બનાવતી વખતે ગટર લાઈનમાં સિમેન્ટ ભરાઈ જવાના કારણે દરરોજ સવારે અનેક ચેમ્બરો ભરાઈ જતી હોવાની ફરિયાદ તેમણે કરી છે.
રાદડિયાએ સમગ્ર મામલે કોઈપણ પ્રકારના રાજકીય કે અન્ય પક્ષપાત વગર તપાસ કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, આશરે ₹254 કરોડથી વધુની ગેરરીતિ અંગેની બાબતો સામે આવી રહી છે અને જો તપાસમાં જવાબદારી નક્કી થાય તો સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ લેખિત રજૂઆત કરવાની વાત તેમણે કરી છે.
કમિશનરે શું કહ્યું?
સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું કે આ બાબત તેમના ધ્યાન પર તાજેતરમાં આવી છે અને તેમની પાસે હજુ સુધી સમગ્ર મામલાની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી. જોકે, મીડિયા મારફતે મામલો ધ્યાન પર આવ્યા બાદ જરૂરી તપાસ કરવામાં આવશે અને તપાસ દરમિયાન જે તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું છે. તેમણે તપાસ નિષ્પક્ષ રીતે કરવાની વાત પણ કરી છે.
મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સામે પણ સવાલો
આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આક્ષેપ કરનારાઓનું કહેવું છે કે બોગસ બિલો અને કથિત ગેરરીતિ અંગેની રજૂઆતો શાસકોના ધ્યાને હોવા છતાં આ મુદ્દે જાહેરમાં સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. હવે મુખ્ય સવાલ એ છે કે જો તપાસમાં બોગસ બિલો કે સરકારી નાણાંની ગેરરીતિના આક્ષેપો સાચા સાબિત થાય છે તો તેની જવાબદારી કોની નક્કી થશે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે?
વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા, સિટી ઇજનેરો તથા કોન્ટ્રાક્ટર પી.સી. સ્નેહલ કંપની અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને કાયદેસરની પ્રક્રિયા બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
હાલ સમગ્ર મામલે તપાસની માગ વચ્ચે જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના (Junagadh Underground Drainage Scam)ના કામની ગુણવત્તા, બિલિંગ પ્રક્રિયા, માપપોથીમાં થયેલી નોંધો અને સરકારી નાણાંના ઉપયોગ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે મનપા તંત્ર અને તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:આણંદમાં ₹98 લાખની પાણી ટાંકી કૌભાંડનો પર્દાફાશ, હલકી ગુણવત્તા સામે આવતા તંત્રનું બુલડોઝર
આ પણ વાંચો:વડોદરામાં NA વગરના પ્લોટ આકારણી કૌભાંડ, VMC અધિકારીઓના ખોટા મૂલ્યાંકન બાદ 16 ઘર અને 6 પ્લોટ રદ
આ પણ વાંચો:પોરબંદરના રાણા બોરડી ગ્રામ પંચાયતમાં કરોડોનાં કૌભાંડના આક્ષેપો
