Karnataka High Court PM Insult Case: કર્ણાટક હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપસર એક વ્યક્તિ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી છે.
અથણી પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં દુકાનની બહાર બેરિકેડ લગાવવા અને તેના અંગે પૂછપરછ કરવામાં આવતા વડાપ્રધાન વિશે કથિત અપમાનજનક શબ્દો બોલવાનો આરોપ હતો.
હાઈકોર્ટના નિર્ણય બાદ કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરભ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

ફરિયાદમાં ઇરાદાપૂર્વકના અપમાનનો ઉલ્લેખ નહીં
કર્ણાટક હાઈકોર્ટના(Karnataka High Court) જસ્ટિસ વેંકટેશ નાઈક ટીની સિંગલ જજ બેન્ચે કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે ફરિયાદમાં એવી ચોક્કસ વિગતો નથી કે અરજદારે ફરિયાદીનું જાણીને અને ઇરાદાપૂર્વક અપમાન કર્યું હોય.
કોર્ટના જણાવ્યા મુજબ માત્ર ગાળો, રુક્ષ વર્તન અથવા બદતમીજીને કારણે જ BNSની કલમ 352 લાગુ કરી શકાય નહીં.
બેરિકેડને લઈને થયો હતો વિવાદ
ફરિયાદ મુજબ 7 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદી અને અન્ય લોકો BJP ઓફિસ નજીક હતા.
આ દરમિયાન WhatsApp ગ્રુપમાં શેર થયેલા એક વીડિયોથી દુકાનની નજીક રસ્તા પર બેરિકેડ લગાવવાની ઘટના અંગે જાણકારી મળી હતી. ફરિયાદીએ ટ્રાફિક અવરોધ અંગે આરોપી પાસે પૂછપરછ કરી હતી.
ત્યારબાદ આરોપીએ વડાપ્રધાન અંગે અપમાનજનક શબ્દો કહ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
આ કેસમાં BNSની કલમ 285 અને 352 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ઘટના 7 જાન્યુઆરીની હોવા છતાં ફરિયાદ 11 જાન્યુઆરીએ નોંધાઈ હતી. ચાર દિવસના આ વિલંબ અંગે પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી હતી.
Karnataka High Courtનો મહત્વનો અવલોકન
કોર્ટે(Karnataka High Court) જણાવ્યું કે BNSની કલમ 352 હેઠળ કાર્યવાહી માટે માત્ર અપમાનજનક શબ્દોનો આરોપ પૂરતો નથી. અપમાન પાછળ શાંતિ ભંગ કરાવવાનો ઇરાદો અથવા તેની જાણકારી હોવી જરૂરી છે.
હાલની ફરિયાદમાં આવા જરૂરી તત્વો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા ન હોવાનું કોર્ટના અવલોકનમાં આવ્યું.
સૌરભ દાસે X પર કરી પોસ્ટ
ચુકાદા બાદ CJPના સહ-સંયોજક સૌરભ દાસે આ મામલે LiveLawના અહેવાલને X પર શેર કર્યો હતો.
પોસ્ટ સાથે તેમણે “જંતર-મંતર પછીનું ભારત” લખ્યું હતું. આ પોસ્ટ બાદ કોર્ટના નિર્ણય અને BNSની કલમ 352ની ચર્ચા સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.
શું છે BNSની કલમ 352?
BNSની કલમ 352 મુજબ કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક અન્ય વ્યક્તિનું અપમાન કરે અને તેનો હેતુ સામેની વ્યક્તિને ઉશ્કેરીને શાંતિ ભંગ કરાવવાનો હોય, અથવા તેવું થવાની જાણકારી હોય, તો આ જોગવાઈ લાગુ થઈ શકે છે.
કર્ણાટક હાઈકોર્ટે(Karnataka High Court) હાલના કેસમાં ફરિયાદમાં આ જરૂરી તત્વો પૂરતા પ્રમાણમાં દર્શાવવામાં આવ્યા નથી તેમ માનીને કાર્યવાહી રદ કરી છે.

