Gujarat News/ કેજરીવાલ ગુજરાતમાં ટીપે ટીપે જ્ઞાતિ સમીકરણોથી ગોઠવી રહ્યાં છે સોગઠા

દિગ્ગજ આહિર નેતા જવાહર ચાવડા પણ લાગ જોઈને આમઆદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા બળવત્તર છે

Gujarat

Gujarat News : પહેલાં વિસાવદરમાં જીત, બાદમાં બોટાદ ખાતે કડદાના મુદ્દે ખેડૂત આંદોલન અને હવે સુરેન્દ્રનગરના સાયલા નજીક ખેડૂત મહાપંચાયત, એમ આમઆદમી પાર્ટી ગુજરાતમાં રાજકારણના સોગઠાં બરાબર ગોઠવતી જાય છે. ગુજરાતના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કેજરીવાલ મેદાનમાં કૂદ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી પછી નેતૃત્વ અને સંગઠનવિહોણી જણાતી આમઆદમી પાર્ટી હવે કરેલી ભૂલો સુધારીને ગુજરાતની રાજનીતિ માટે અનિવાર્ય એવાં જ્ઞાતિ સમીકરણો પણ સંતુલિત કરી રહી હોય એમ મહાપંચાયત પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

તો બીજી તરફ, હવે કેજરીવાલની ગુજરાત સેના તૈયાર થઈ રહી છે. કેજરીવાલ હવે જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ ઉભી કરી રહ્યા છે, જે જનતાનો અવાજ બને.

ગુજરાતના રાજકારણમાં સૌથી પ્રભાવત પાટીદાર ફેક્ટરને પંપાળવા માટે કેજરીવાલે ભુપેન્દ્ર પટેલને ડમી મુખ્યમંત્રી કહીને તેને પાટીદારોનું અપમાન ગણાવ્યું. ઉપરાંત પાર્ટી હવે ફરીથી ગોપાલ ઈટાલિયાને પણ આગળ કરી રહી છે. વિસાવદરનો જુવાળ અન્ય જિલ્લાઓમાં પણ પહોંચાડવાના હેતુથી ગોંડલના ફાયરબ્રાન્ડ યુવા પાટીદાર મહિલા નેતા જિગિષા પટેલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને તેમને સંગઠનમાં મોટી જવાબદારી પણ સોંપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢમાં રેશમા પટેલ પણ પૂરી સક્રિયતાથી મેદાનમાં ઉતરેલાં છે. મનોજ સોરઠિયા સુરત ખાતે આમઆદમી પાર્ટીનો પાટીદાર ચહેરો છે.

ગુજરાતભરમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો એવો કોળી સમુદાય વિસ્તાર મુજબ વેરવિખેર છે. પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને જસદણ-વિંછિયાથી ભાલપંથક અને ઝાલાવાડના કોળી સમુદાય પર પ્રભુત્વ મેળવવા માટે આમઆદમી પાર્ટીએ બ્રિજરાજ સોલંકીને આગળ કર્યા છે. યુવા અને ઉચ્ચ શિક્ષિત બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પાડવા પ્રયત્નશીલ છે.

જ્યારે તેમનાં પિતા અને વિધાનસભાની ગત ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂકેલા રાજુ સોલંકી માંધાતા સેનાના માધ્યમથી ભાવનગર, મહુવા, રાજુલા અને ઉના પંથકમાં પરસોતમ સોલંકી, હીરા સોલંકીને મ્હાત આપવા મહેનત કરી રહ્યા છે.

વિધાનસભાની દસેક બેઠકો પર ગુજરાતમાં આશરે ૬ ટકા જેટલી વસ્તી ધરાવતા આહિરો નિર્ણાયક મનાય છે. હાલ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા મજબૂત યુવા નેતા તરીકે ઊભરી રહ્યા છે. તેમના પ્રભાવના કારણે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ આહિર નેતૃત્વ ઊભરે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપથી નારાજ દિગ્ગજ આહિર નેતા જવાહર ચાવડા પણ લાગ જોઈને આમઆદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા બળવત્તર છે.

ચૈતર વસાવા જેવા ફાયરબ્રાન્ડ નેતાના કારણે ડેડિયાપાડા, નર્મદા, રાજપીપળા વિસ્તારમાં આમઆદમી પાર્ટી આદિવાસી સમુદાયમાં પકડ જમાવી રહી છે. પરંતુ ચૈતર વસાવા પોતાનાં ફરતાં કસાયેલા વિવિધ કેસના ગાળિયા હળવા કરવા ભાજપમાં જોડાય એવી ચર્ચા પણ વ્યાપક છે. જો એવું થશે તો આમઆદમી પાર્ટીની વિશ્વસનિયતાને બહુ મોટો ફટકો પડી શકે છે. કારણ કે આદિવાસી બેલ્ટમાં આપ નવું નેતૃત્વ ઊભું કરી શક્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત

આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા