World News : કેન્યામાં ધર્મના નામે ફેલાવવામાં આવેલી અંધશ્રદ્ધાએ (Kenya Cult Case)અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. ઈસુ ખ્રિસ્તને મળવાના બહાને લોકોને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા મજબૂર કરનાર પાદરી પૌલ મેકેન્ઝી (Paul Mackenzie)ને કોર્ટે 200 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ભયાનક ઘટનામાં 190થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. અદાલતના આ કડક ચુકાદાથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી છે.
પૌલ મેકેન્ઝી (Paul Mackenzie)નું ખતરનાક ધાર્મિક ષડયંત્ર
પૂર્વ આફ્રિકાના દેશ કેન્યામાં ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી (Kenya Pastor)એ પોતાના અનુયાયીઓમાં એવો ભય ફેલાવ્યો હતો કે ઓગસ્ટ 2023 પહેલાં દુનિયાનો અંત આવી જશે. આ દુનિયામાંથી મુક્તિ મેળવી સ્વર્ગમાં પહોંચવા માટે ઉપવાસ કરવો જરૂરી હોવાનું તે લોકોને સમજાવતો હતો.
પાદરીએ એવો વિશ્વાસ અપાવ્યો હતો કે જો લોકો લાંબા સમય સુધી ભોજનનો ત્યાગ કરશે તો તેમને ભગવાન ઈસુ ખ્રિસ્તનાં દર્શન થશે. આ વાતોમાં વિશ્વાસ રાખીને અનેક લોકો તેના કહેવા પ્રમાણે ભૂખ્યા રહેવા લાગ્યા હતા. આ સમગ્ર પ્રવૃત્તિમાં તેના 25 સાથીદારો પણ સામેલ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Kenya Cult Case : બાળકોને ભૂખ્યા રાખીને મોતના મુખમાં ધકેલ્યા
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ભોગ નિર્દોષ બાળકો બન્યાં હતાં. પાદરી અને તેના સાથીદારોએ બાળકોને લાંબા સમય સુધી ભોજનથી દૂર રાખ્યાં હતાં. ઉપવાસના નામે બાળકોને ભૂખ્યા રાખવાની આ પ્રક્રિયાના કારણે અનેક માસૂમ જિંદગીઓનો અંત આવ્યો હતો. ત્યારબાદ યુવાનો અને મહિલાઓ પણ આ ભયાનક ઘટનાનો ભોગ બન્યાં હતાં.
આ કેસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતકોમાં 161 બાળકો આશરે 9 વર્ષની ઉંમરનાં હતાં, જ્યારે 22 બાળકો 10થી 13 વર્ષની વયજૂથનાં અને પાંચ બાળકો 14થી 16 વર્ષની ઉંમરનાં હતાં. આ ઉપરાંત કેટલાક બાળકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ધર્મ અને શ્રદ્ધાના નામે કરવામાં આવેલી આ ક્રૂરતાએ માનવતાને હચમચાવી દીધી હતી.
કેન્યાની કોર્ટે સંભળાવ્યો 200 વર્ષની સજાનો ચુકાદો
કેન્યાના મોમ્બાસાની હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન જજે ગંભીર વલણ અપનાવ્યું હતું. જજ ડાયના કાવેદઝાએ નોંધ્યું હતું કે મૃત્યુ બાદ ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થશે તેવી ખોટી માન્યતાનો ફેલાવો અટકાવવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.
કોર્ટે પાદરી અને તેના સાથીદારોને હત્યા, માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. મુખ્ય પાદરીને 200 વર્ષની જેલની સજા (200 Years Jail)ફટકારવામાં આવી છે. આ ચુકાદો ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી નિર્દોષ લોકોના જીવન સાથે ચેડાં કરનારાઓ માટે કડક સંદેશ સમાન છે.
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજવો કેટલો જરૂરી છે.
આ પણ વાંચો:અમદાવાદ સોલામાં અંધશ્રદ્ધાનો ભોગ સગીરા: ભુવા સામે દુષ્કર્મનો આરોપ, તસવીરો વાયરલ થતાં ધરપકડ
આ પણ વાંચો : અંધશ્રદ્ધાનો ખૌફનાક ચહેરો! ધ્રાંગધ્રામાં તાંત્રિક મહિલાએ 4 વર્ષના બાળકનો જીવ લીધો
