Khambhat News: ખંભાતના ત્રંબાવટી કોમ્પ્લેક્સના કૌભાંડમાં નવો ફણગો ફૂટયો છે. આ કૌભાંડ પૂર્વપ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને તેમના મળતિયાઓએ આચર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સત્તાધીશોએ મેળાપીપણામાં અન્યોને દુકાન ફાળવ્યાનો ઘટસ્ફોટ થયો છે.
ભૂતપૂર્વ પ્રમુખે પુત્રવધુ અને ચાર કર્મચારોને દુકાનો ફાળવી દીધી છે. આના પગલે ચીફ ઓફિસરે પૂર્વ પ્રમુખના પુત્રવધુને નોટિસ ફટકારી દીધી છે. નોટિસ મળવાના પગલે ભૂતપૂર્વ પ્રમુખના પુત્રવધુ પરેશાબેન શાહે વટાણા વેર્યા છે. તેણે જણાવ્યું હતું કે મારા સિવાય અન્ય ચારને પણ દુકાન ફાળવવામાં આવી છે. મારી જોડે દ્વેષભાવ રાખવામાં આવ્યો છે અને આ નોટિસ પણ તે દ્વેષભાવનું જ પરિણામ છે.
હાલમાં નગરપાલિકાના પ્રમુખ દિગ્વેસી પરમાર પણ પોતે ખંભાતના સ્તંભ તીર્થ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. ખંભાત નગરપાલિકાના કર્મચારી શૈલેષભાઈ શાહના ધર્મપત્ની પણ આ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. આ ઉપરાંત નગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં બેસતા રવિભાઈ પણ તેમની પત્નીના નામે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે.
ખંભાત નગરપાલિકાના કર્મચારી ભરતભાઈ રબારી પણ પત્નીના નામે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. પરેશાબેન શાહનું કહેવું છે કે ઉપરના ચાર પૈકી કોઈને નોટિસો નહીં આપતા ફક્ત મારી જોડે ઓરમાયુ વર્તન કરી અને મને નોટિસ આપવામાં આવી છે. પરેશાબેન શાહે કરેલા આ ઘટસ્ફોટના પગલે હવે બાકીનાને પણ આગામી સમયમાં નોટિસ મળે તેવી સંભાવના છે.
આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પરેશાબેન શાહનો આક્ષેપ ચિંતાજનક બાબત છે. તેમણે કરેલા આક્ષેપની તપાસ કરવામાં આવશે. તેમની સત્યતાની ચકાસણી કરવામાં આવશે અને તેમની સામેના પુરાવા એકત્રિત કર્યા પછી તેઓનો જવાબ માંગવામાં આવશે. તેના પછી તેમને આ અંગેની નોટિસ પાઠવવામાં આવશે.
આ પણ વાંચો: ખંભાત નગરપાલિકામાં 22માંથી 8 કાઉન્સિલરના રાજીનામાં, લગાવ્યા આવા આક્ષેપો…
આ પણ વાંચો: રાજ્યની 125 નગરપાલિકાને બિલ ભરવાના પણ ફાંફા, વીજળીના 915 કરોડ લેણા
