Rajkot News/ નરેશ પટેલના નિવૃત્તિના સંકેત,ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી ચર્ચામાં

નરેશ પટેલે જણાવ્યું કે, “ખોડલધામ (Khodaldham)ટ્રસ્ટ ક્યારેય આમંત્રણ પત્રિકા છપાવતું નથી

Gujarat Rajkot
રાજકોટથી ખોડલધામ (Khodaldham)ટ્રસ્ટ દ્વારા દશાબ્દી મહોત્સવ 2027ના ભવ્ય આયોજન માટે માતાજીના ત્રણ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવેદનોએ નવી ચર્ચા જગાવી છે

Rajkot News : રાજકોટથી ખોડલધામ (Khodaldham)ટ્રસ્ટ દ્વારા દશાબ્દી મહોત્સવ 2027ના ભવ્ય આયોજન માટે માતાજીના ત્રણ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવેદનોએ નવી ચર્ચા જગાવી છે. વર્ષ 2027માં ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા દશાબ્દી મહોત્સવ પહેલા નરેશ પટેલે નિવૃત્તિના સંકેત આપતાં જણાવ્યું કે, “અમારી ટીમ હવે સંપૂર્ણ સક્ષમ બની ગઈ છે, હવે હું આરામ કરું તો પણ કોઈ વાંધો નથી.”

નરેશ પટેલના આ નિવેદન બાદ ખોડલધામ (Khodaldham)ના આગામી નેતૃત્વ અંગે ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી ખોડલધામ ટ્રસ્ટમાં સક્રિય બનેલી અનાર પટેલની ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ બની શકે છે તેવી અટકળો ચાલી રહી છે.

‘મારી જગ્યાએ પરિવારનો કોઈ નહીં આવે’

રથ પ્રસ્થાન પ્રસંગે નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મારી જગ્યાએ મારા પરિવારના કોઈ સભ્યો ક્યારેય સ્થાન નહીં લે.” સાથે જ તેમણે ઉમેર્યું કે, 2011થી અને ખાસ કરીને 2017ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી જોડાયેલા હજારો સ્વયંસેવકો અને કાર્યકરો આજે સંગઠનને મજબૂત બનાવી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, “2017માં 29 કમિટીઓ ખડેપગે કામ કરતી હતી, આજે સંગઠનમાં વધુ પરિપક્વતા આવી ગઈ છે. માતાજીના આશીર્વાદ સાથે હવે કોઈ મુશ્કેલી નહીં પડે.”

દશાબ્દી મહોત્સવ 2027 માટે ભવ્ય આયોજન

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 19, 20 અને 21 જાન્યુઆરી 2027 દરમિયાન કાગવડ ખાતે ભવ્ય દશાબ્દી મહોત્સવ યોજાશે. આ મહોત્સવ માટે ગુજરાતના અલગ અલગ ત્રણ ઝોનમાં માતાજીના રથ દ્વારા સર્વ સમાજને આમંત્રણ આપવામાં આવશે.

નરેશ પટેલે જણાવ્યું કે, “ખોડલધામ (Khodaldham)ટ્રસ્ટ ક્યારેય આમંત્રણ પત્રિકા છપાવતું નથી. ખુદ માતાજી ગુજરાતના ખૂણે ખૂણે જઈ ભક્તોને આમંત્રણ આપે છે.”

અનાર પટેલનું પ્રથમ મોટું જાહેર સંબોધન

આ પ્રસંગે અનાર પટેલે જણાવ્યું કે, “આ મારા માટે પહેલો કાર્યક્રમ છે. ગઇકાલ રાતથી હું સમગ્ર માહોલ નિહાળી રહી છું. યુવાનો અને બહેનો-ભાઈઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું કે, “નરેશભાઈના વિચારોને કારણે આખા પાટીદાર સમાજમાં મોટો પરિવર્તન આવ્યો છે. હવે સમાજના નાનામાં નાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.”

કોણ છે અનાર પટેલ?

અનાર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી છે અને છેલ્લા 34 વર્ષથી સામાજિક સેવા સાથે જોડાયેલા છે. તેઓ માનવ સાધના ટ્રસ્ટના સહ-સ્થાપક તરીકે શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે.

તેઓએ “ગ્રામશ્રી” અને “ક્રાફ્ટરૂટ્સ” જેવી પહેલો દ્વારા દેશભરના હજારો કારીગરોને રોજગાર સાથે જોડ્યા છે. ત્રણ વર્ષ પહેલાં અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ તેમની સક્રિયતા સતત વધી રહી છે.

દશાબ્દી મહોત્સવમાં શું રહેશે ખાસ?

ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન 1008 કુંડી મહાયજ્ઞ, શોભાયાત્રા, મહારાસ, ધર્મસભા, અન્નકૂટ, મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ખોડલધામ (Khodaldham)ની 10 વર્ષની યાત્રાનું વિશેષ પ્રદર્શન પણ યોજાશે.

અંતિમ દિવસે નરેશ પટેલ સમાજને સંબોધન કરશે અને મહત્વપૂર્ણ સંદેશ આપશે, જેને લઈને પણ સમાજમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો : શ્રી ખોડલધામ મંદિરે જાન્યુઆરી 2027માં યોજાશે ‘શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ’: ત્રિ-દિવસીય ભવ્ય કાર્યક્રમની રૂપરેખા જાહેર…