Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના તબીબોએ 54 વર્ષીય દર્દીની કિડનીમાં રહેલી 8 સેમીની ગાંઠ (Kidney Tumor) દૂર કરી આખી કિડની બચાવવામાં સફળતા મેળવી છે.
મોટી ગાંઠ છતાં Kidney Tumorની સફળ સર્જરી
54 વર્ષીય પુરુષ દર્દી છેલ્લા બે મહિનાથી પેટ અને કમરના ડાબા ભાગમાં દુખાવાની ફરિયાદથી પરેશાન હતા. તપાસ દરમિયાન તેમના પેટનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં ડાબી કિડનીમાં આશરે 8 સેમીની મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.
ગાંઠનો કેટલોક ભાગ રક્તપ્રવાહના અભાવે નેક્રોસિસગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, મહત્વની બાબત એ હતી કે ગાંઠ શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ન હતી. જેના કારણે તબીબોએ કિડનીને સંપૂર્ણપણે કાઢી નાખવાને બદલે તેને બચાવવાનો નિર્ણય કર્યો.
7 સેમીથી મોટી ગાંઠમાં સામાન્ય રીતે આખી કિડની કાઢવામાં આવે છે
સામાન્ય રીતે 7 સેમીથી મોટી ગાંઠ (Kidney Tumor)હોય ત્યારે દર્દીની અસરગ્રસ્ત કિડની કાઢી નાખવાની જરૂર પડી શકે છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ અને તેમની ટીમે કિડનીનો કાર્યક્ષમ હિસ્સો બચાવવાનું પડકારજનક કામ હાથ ધર્યું.
દર્દી અસ્થમા અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ પીડાતા હોવાથી સર્જરી પહેલાં તમામ બાબતોનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું.
લેપ્રોસ્કોપીથી માત્ર ગાંઠ દૂર કરી
તબીબોની ટીમે અત્યાધુનિક લેપ્રોસ્કોપિક પાર્ટિયલ નેફ્રેક્ટોમી (Laparoscopic Partial Nephrectomy) પ્રક્રિયા દ્વારા સર્જરી કરી. લેપ્રોસ્કોપી (Laparoscopic Surgery)ની મદદથી પેટમાં નાના છિદ્રો મારફતે સર્જરી કરવામાં આવી અને માત્ર ગાંઠ દૂર કરવામાં આવી.
સર્જરી દરમિયાન સૌથી મોટો પડકાર રક્તસ્ત્રાવને નિયંત્રિત કરવાનો અને કિડનીના સ્વસ્થ તથા કાર્યક્ષમ ભાગને નુકસાનથી બચાવવાનો હતો. અનુભવી તબીબોની ટીમે આ પડકારને સફળતાપૂર્વક પાર પાડ્યો.
દર્દીની કિડનીનું કાર્ય જાળવી રાખવામાં સફળતા
સર્જરી બાદ દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. હાલ દર્દીને કોઈ ખાસ આડઅસર કે તકલીફ ન હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ડો. શ્રેણિક શાહે જણાવ્યું કે યોગ્ય આયોજન અને અનુભવી ટીમની કુશળતાથી મોટી ગાંઠને દૂર કરવાની સાથે કિડનીના કાર્યક્ષમ ભાગને પણ બચાવી શકાય છે. કિડની બચાવતી આધુનિક સારવાર દર્દીઓને ઉપલબ્ધ કરાવવા સિવિલ હોસ્પિટલ સતત પ્રયત્નશીલ છે.
સિવિલ હોસ્પિટલની ટીમને અભિનંદન
આ સફળ સર્જરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ યુરોલોજી વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ જટિલ બીમારીઓની પણ સફળ સારવાર કરવામાં આવી રહી છે.
