Rajasthan News/ રાજસ્થાનમાં પ્રસૂતિ બાદ મહિલાઓના રહસ્યમય મોત! બે મહિનામાં 18 મહિલાનાં મોત, 7ની કિડની ફેલ થતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ

રાજસ્થાનમાં છેલ્લા બે મહિનામાં સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ બાદ 18 મહિલાઓનાં મોત અને 7 મહિલાઓની કિડની ફેલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારે નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

India Breaking News
Deaths of 18 women

Rajasthan News: રાજસ્થાનમાં સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ બાદ મહિલાઓના સતત થઈ રહેલા મોત અને કિડની ફેલ થવાના બનાવોએ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. છેલ્લા બે મહિનામાં 18 પ્રસૂતાઓનાં મોત થયા છે, જ્યારે 7 મહિલાઓ ડાયાલિસિસ પર છે. આ ચિંતાજનક પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારે નિષ્ણાતોની વિશેષ ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

બે મહિનામાં 18 પ્રસૂતાઓનાં મોત (Deaths of 18 women)

રાજસ્થાન (Rajasthan)માં સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ (Delivery)બાદ મહિલાઓના મૃત્યુનો સિલસિલો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મે મહિનાથી અત્યાર સુધીમાં 18 મહિલાઓનાં મોત નોંધાયા છે, જ્યારે 7 મહિલાઓની કિડની ફેલ (Kidney Failure)થતાં તેઓ ડાયાલિસિસ પર છે. આ ઘટનાઓએ આરોગ્ય સેવાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ભીલવાડા અને બાંસવાડામાં 9 મોત

5 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન ભીલવાડા (Bhilwara)અને બાંસવાડામાં 9 મહિલાઓનાં મોત થયા છે. ભીલવાડાના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં માત્ર છ દિવસમાં સીઝેરિયન ડિલિવરી બાદ પાંચ મહિલાઓનાં મોત થયા હતા. આ મહિલાઓના ઓપરેશન બાદ તેમની તબિયત બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

અન્ય જિલ્લાઓમાં પણ ગંભીર સ્થિતિ

માત્ર ભીલવાડા જ નહીં, પરંતુ મે મહિનામાં કોટાની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ પાંચ મહિલાઓનાં મોત થયા હતા. જૂનમાં બીકાનેરમાં સીઝેરિયન ડિલિવરી બાદ અનેક મહિલાઓની કિડની પર ગંભીર અસર થઈ હતી. જેમાંથી બે મહિલાઓનાં મોત થયા, જ્યારે અન્ય મહિલાઓ હજુ પણ પર સારવાર લઈ રહી છે.

સરકારે નિષ્ણાતોની ટીમ બનાવી

રાજ્ય સરકારે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જયપુરથી માઇક્રોબાયોલોજી, ગાયનેકોલોજી, સર્જરી અને એનેસ્થેશિયાના નિષ્ણાતોની વિશેષ ટીમ મોકલી છે. આ ટીમ હોસ્પિટલોની સારવાર પદ્ધતિ, ઓપરેશન થિયેટર, દવાઓ, ચેપ નિયંત્રણ અને મેડિકલ રેકોર્ડનું ઓડિટ કરશે.

ઓપરેશન થિયેટરનો કલ્ચર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ

તપાસ દરમિયાન એક ઓપરેશન થિયેટરની કલ્ચર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં શંકા વધુ ઘેરી બની છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ રિપોર્ટ અને મહિલાઓના મોત વચ્ચે સીધો સંબંધ હોવાની પુષ્ટિ કરી નથી. સાવચેતીના ભાગરૂપે સંબંધિત ઓપરેશન થિયેટર બંધ કરીને ફરીથી સ્ટેરિલાઇઝેશન અને ફ્યુમિગેશન કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય મંત્રીએ શું કહ્યું?

રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે જણાવ્યું કે એકસાથે આટલી ઘટનાઓ બનવી આશ્ચર્યજનક છે. શરૂઆતમાં ગરમીને સંભવિત કારણ માનવામાં આવ્યું હતું, પરંતુ હવે અન્ય તમામ સંભાવનાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ પ્રકારની બેદરકારી અથવા મેડિકલ પ્રોટોકોલના ઉલ્લંઘનનો ખુલાસો થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 


આ પણ વાંચો:નવજીવન પ્રસુતિ હોસ્પિટલમાં સર્ગભાનું મોત, ડોક્ટરની બેદરકારની પરિવારનો ગંભીર આરોપ

આ પણ વાંચો:રસ્તો ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા મહિલાને ઘરે જ પ્રસુતિ થઈ, બાળકીની હાલત બગડતા હોસ્પિટલ ખસેડાઈ

આ પણ વાંચો:ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બે પ્રસુતાનાં મોત, ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો