Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો

ગુજરાત સરકારે રાજ્યની 21 જિલ્લા પંચાયતોમાં અદ્યતન સગવડો સાથે પશુ દવાખાના અને 68 પશુ સારવાર કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે પાંચ રિપેરિંગ કામો માટે પણ મંજૂરી આપી છે. આ બધા માટે 49.97 કરોડની રકમ રાજય સરકારે મંજૂર કરી છે. 

Top Stories Gujarat
  • રાજ્યમાં રૂ47.97 કરોડના ખર્ચે નવા 68 પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ
  • રાજ્યની સાત પશુ રોગ નિદાન લેબોરેટરી અને દસ વેટરીનરી પોલીક્લીનીકને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૂ. એક કરોડ મંજૂર
  • રાજ્યમાં પશુપાલન ખાતાની કચેરીઓ ખાતે 50 લાખ રૂપિયાના ખર્ચે 10 ડિજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કિઓસ્કની સુવિધા ઉભી કરાશે
  • પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-2ની 6 અને વર્ગ-3ની નવ જગ્યાઓ મંજૂર

ગુજરાત દેશમાં દૂધ ઉત્પાદનના આગેવાન છે ત્યારે તેની પાછળનું કારણ છે પશુધનની જાળવણી અને વૃદ્ધિ. તેથી રાજ્ય આ મોખરાનું સથાન જાળવી શકે તે માટે ગુજરાત સરકારે રાજ્યની 21 જિલ્લા પંચાયતોમાં અદ્યતન સગવડો સાથે પશુ દવાખાના અને 68 પશુ સારવાર કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે પાંચ રિપેરિંગ કામો માટે પણ મંજૂરી આપી છે. આ બધા માટે 49.97 કરોડની રકમ રાજય સરકારે મંજૂર કરી છે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લિનિકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની સાત પશુ રોગ નિદાન લેબોરેટરી અને દસ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં રૂપિયા એક કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં 50 લાખ રૂપિયાના ખર્ચે 10 ડિજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરિકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકાપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-2ની છ જગ્યાઓ અને વર્ગ-3ની નવ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.  તેની સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ  Ambalal Forecast/ અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ  

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદનો ઓવરટાઇમ, સીએમના ઉજાગરા અને દોડતી એનડીઆરએફ

આ પણ વાંચોઃ Accident/ મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતમાં 26 ભૂંજાયા

આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

આ પણ વાંચોઃ RFID Card/ અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી… આ આઈ-કાર્ડ વિના યાત્રા નહીં કરી શકો