Gandhinagar News/ કચ્છ પર ફરી મોટું સંકટ? 2001 જેવી તબાહીનું અનુમાન, જાણો વૈજ્ઞાનિકોનો રિપોર્ટ

ગાંધીનગર ISR ખાતે 135 વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ઘટસ્ફોટ થયો છે કે કચ્છમાં ફરી 2001 જેવો વિનાશક ભૂકંપ (Earthquake) આવી શકે છે. જાણો કેમ આફ્ટર શોક્સ લાંબો સમય ચાલુ રહેશે અને શું છે 150-200 વર્ષની ભૂકંપ સાયકલ.

Top Stories Gandhinagar Gujarat
Kutch Earthquake Prediction 2026

Kutch Earthquake Prediction 2026: વર્ષ 2001ના વિનાશક ભૂકંપના 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કચ્છના ભૂગર્ભમાં થઈ રહેલી હલચલને લઈને દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ ચિંતાજનક તારણો રજૂ કર્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં 135 વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કચ્છમાં ભવિષ્યમાં ફરી 2001 જેવો શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

વૈજ્ઞાનિકોનું મોટું રિસર્ચ: 150-200 વર્ષનો સાયકલ

ગાંધીનગરની ‘ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ’ (ISR) ખાતે યોજાયેલી પરિષદમાં ડો. કે. મધુસૂદન રાવે મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે, કચ્છ વિસ્તાર ભૂકંપના અતિ સંવેદનશીલ ઝોન-5માં આવતો હોવાથી ત્યાં ભૂસ્તરિય હલચલ સતત ચાલુ રહે છે. ઇતિહાસ પર નજર કરીએ તો કચ્છમાં 1890 અને 2001માં 7.5થી વધુની તીવ્રતાના વિનાશક ભૂકંપ આવી ચૂક્યા છે, અને વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ આવા મોટા ભૂકંપ દર 150 થી 200 વર્ષના અંતરે ફરી આવવાની શક્યતા રહેલી હોય છે.

Kutch Earthquake Prediction 2026

Earthquake : આફ્ટર શોક્સ હજુ લાંબો સમય ચાલુ રહેશે

વૈજ્ઞાનિકોના મતે 2001ના ભૂકંપ બાદ જે આફ્ટર શોક્સ (ભૂકંપ પછીના આંચકા) આવી રહ્યા છે, તે હજુ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં પૃથ્વીના પેટાળમાં રહેલી એનર્જી ધીમે ધીમે રિલીઝ થતી હોય છે.

Kutch Earthquake Prediction 2026

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ કેવી?

સૌરાષ્ટ્રના લાલપુર, જૂનાગઢ અને ભાવનગર વિશેના રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે અહીં આવતા ભૂકંપના આંચકા માત્ર 4 થી 5 કિલોમીટરની ઓછી ઊંડાઈએ હોય છે, જેના કારણે નુકસાનનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. ખાસ કરીને ચોમાસા પછી આ વિસ્તારોમાં હળવા આંચકા અને અવાજ અનુભવાય છે, જેને વૈજ્ઞાનિકો એક રીતે ‘સારા’ માને છે. તેમના મતે, આવા નાના આંચકાઓ દ્વારા પૃથ્વીના પેટાળની એનર્જી સમયાંતરે રિલીઝ થઈ જાય છે, જેના પરિણામે ભવિષ્યમાં કોઈ મોટો વિનાશક ભૂકંપ આવવાનું જોખમ ઘટી જાય છે.

શું છે ઇન્ટ્રાપ્લેટ સિસ્મોલોજી?

વિશ્વભરના 135 વૈજ્ઞાનિકોએ રિસર્ચ પેપરમાં જણાવ્યું કે માઇક્રોપ્લેટની ગતિવિધિને કારણે કચ્છ જેવા વિસ્તારોમાં મોટા ભૂકંપ સર્જાય છે. આ પરિષદમાં ‘અર્થક્વેક અર્લી વોર્નિંગ સિસ્ટમ’ અને પૃથ્વીની આંતરિક રચના પર પણ ઊંડી ચર્ચા કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં જાન-માલનું નુકસાન ઘટાડી શકાય.


આ પણ વાંચો : કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : કચ્છની ધીંગી ધરા ફરી ધણધણી ઉઠી, રાપરમાં વહેલી સવારે 2.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : ઉતરાયણના દિવસે જ ગુજરાતની ધરા ધ્રુજી, અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા