મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આવતીકાલે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે 30 જૂને રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એકનાથ શિંદેના નજીકના સહયોગીએ જણાવ્યું કે રાજભવનમાં બપોરે 12 વાગ્યે આયોજિત સમારોહમાં એક ડઝન મંત્રીઓ શપથ લેશે. મહારાષ્ટ્ર કેબિનેટના સંભવિત મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે.
ભાજપ તરફથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, રવિન્દ્ર ચવ્હાણ, મંગલ પ્રભાત લોઢા, કિસન કથોર અને નિતેશ રાણેને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ શિવસેના તરફથી દાદા ભુસે, સંદીપન ભુમરે, ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાઠ અને અનિલ બાબરને મંત્રી બનાવવામાં આવી શકે છે.
મુખ્ય પ્રધાનના સહાયકે કહ્યું, “રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં યોજાવાનું છે, તેથી અમે કેબિનેટ વિસ્તરણમાં 12 ધારાસભ્યોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે શપથ લેનારાઓમાં કેટલાક વિધાન પરિષદના સભ્યો પણ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેનામાં બળવાખોર વલણ અપનાવીને મોટાભાગના ધારાસભ્યોને પોતાની છાવણીમાં લાવનારા શિંદે માટે આ મુશ્કેલ કામ હશે.
શિંદે છેલ્લા એક મહિનામાં સાત વખત દિલ્હીની મુલાકાત લઈ ચૂક્યા છે અને દરેક મુલાકાત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો થઈ રહી છે. કેબિનેટ વિસ્તરણમાં વિલંબને લઈને સીએમ પણ વિપક્ષના નિશાના પર રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે શિંદેએ તેમની સાથે આવેલા દરેક ધારાસભ્યને મંત્રી પદનું વચન આપ્યું હતું. પવારે કહ્યું, “હવે શિંદે પોતાનું વચન પૂરું કરી શક્યા નથી, તેથી કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાને એ પણ જણાવવું જોઈએ કે વિલંબનું કારણ શું છે.
પવારે એમ પણ કહ્યું હતું કે મંગળવારે યોજાનાર કેબિનેટ વિસ્તરણ માટે તેમને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નથી. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે શિંદે જૂથમાં ગયેલા તમામ 40 બળવાખોર શિવસેના ધારાસભ્યોને મંત્રી પદ નહીં મળે. એક રાજકીય નિરીક્ષકે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં તેલંગાણા કરતાં ઓછો વિલંબ થયો છે, જ્યાં 2019માં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે મંત્રીઓની સંપૂર્ણ પરિષદની રચના કરવા માટે બે મહિનાથી વધુ રાહ જોઈ હતી.”