ભ્રષ્ટાચારનો ભરડો/ AMCના નબળા કમિશનર સાબિત થયેલા લોચન સહેરા

અમદાવાદને મેગાસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ આસપાસના ગામડાઓ તેમા ભળતા રહ્યાં છે. મ્યુનિ.ની હદ એ હદે વધી ગઈ છે કે તેની સેવાઓને સંભાળવાનું મુશ્કેલ બનતું જાય છે. બજેટનું કદ 10 હજાર કરોડની નજીક પહોંચી ગયું છે. આ સંજોગોમાં કોઈ સિનિયર અને અનુભવી IAS જ કમિશનર તરીકે વહિવટ સંભાળી શકે તેમ છે. લોચન સહેરાના બિનઅનુભવીપણાએ ચોમાસામાં શહેરની હાલાકી ઘટાડવાના બદલે વધારી છે. ટૂંક સમયમાં જ પોતાની અક્ષમતાનો અહેસાસ થઈ જતા બદલી માગી લીધી હતી. હવે તો તેમની બદલી થઈ છે, પણ તેમના સ્થાને કોઈ મુકાયુ ન હોવાથી ‘ફાઈલો’ ક્લીયર કરી રહ્યાં છે.

Mantavya Exclusive
Poor Commissioner

પ્રફુલ્લ ત્રિવેદી, એસો.એડિટર

અમદાવાદ મ્યુનિ.ના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા કમિશનરોમાં સૌથી વીક લોચન સહેરા સાબીત થયા છે. પોતાના તાબાના અધિકારીઓનો તેઓ લેશમાત્ર બચાવ પણ કરી શકતા ન હતા. સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં ચુંટાયેલા કોઇ સભ્ય કોઇ અધિકારીને ખખડાવે તો સહેરાસાહેબ નીચું માથું કરીને મોબાઇલ રમવા માંડતા, જ્યારે અગાઉના એકપણ કમિશનર આમ કરતા ન હતા. તેઓ વહિવટી પાંખનો બચાવ કરતા હતા. તેમની નબળી નિર્ણાય શક્તિનુ સૌથી મોટું ઉદાહરણ છે. સીએનસીડી-ઢોર ત્રાસ નિવારણ વિભાગના ઉચ્ચ અધિકારી નરેશ રાજપુત અને ડો.રાઠોડને અચાનક જ સસ્પેન્ડ કરી દીધા હતા. અને સાત જ દિવસમાં તેમનું સસ્પેન્શન રદ્દ કરી પરત લેવાની ફરજ પડી હતી. કોઇ સનદી અધિકારી આટલા ટૂંકાગાળામાં U ટર્ન મારતા હોતા નથી. દાણીલીમડા ઢોરવાડામાં 50 ગાયો મરી ગયાના આક્ષેપના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતા અધિકારીઓનો તેઓ લેશમાત્ર બચાવ કરી શક્યા ન હતા. વિપક્ષના હોબાળથી તેઓ વિચલીત થઇ ગયા હતા. ખરેખર તો તેમણે તાત્કાલિક પગલું લેવાને બદલે કોઇ તપાસ કમિટી નીમી દેવાની જરૂર હતી. ઢોરવાડાની ગાયો પૈકી રોજ કેટલાકના મૃત્યુ કુદરતી રીતે પણ થતા હોય છે. મૃત્યુ પામેલી ગાયની ઉંમર અને બીમારીના કારણો પણ તપાસવા પડે છે.

પૂર્વ કમિશનર વિજય નહેરાના વખતમાં આવી જ ઘટના સામે આવી હતી. ઢોરવાડામાંથી 91 જેટલી ગાયો ગુમ થવાનો આક્ષેપ તે સમયના મ્યુનિસિપલ ભાજપના નેતા અમીત શાહે (હાલ તેઓ શહેર પ્રમુખ છે) મુક્યો હતો. આ અંગે વિજિલન્સ ઇન્કવાયરી શરૂ થઇ હતી. સ્ટેન્ડિગ કમિટીમાં આ અંગે પ્રશ્ન પૂછતા વિજિલન્સના ડેપ્યુટી કમિશનર બોલી પણ ગયા હતા કે હા 91 ગાયો ગૂમ થઇ છે. આ વાતને વાળી લેતા વિજય નેહરાએ કહ્યુ કે ડેપ્યુટી કમિશનરની નવી કમિટી નિમવામાં આવશે. જેઓ ગાયોની ફિઝીકલી ગણતરી કરીને અહેવાલ આપશે.

આ મુદ્દે તે સમયના વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભારે હોબાળો કર્યો હતો અને મેયર બિજલ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે આવેદનપત્ર સ્વીકારવા વિજય નેહરાએ તમામ ડેપ્યુટી કમિશનરોને સ્પષ્ટ ઇન્કાર કરવા તાકીદ કરી હતી. ચારે તરફથી દબાણ છતાં વિજય નહેરા તસુભાર પણ તેમના નિણર્યમાંથી ડગ્યા ન હતા. બોર્ડની સભામાં ભારે હંગામો થયો હતો. ઢોરવાડાના કર્મચારીઓએ લાંચ લઇ ગાયો છોડી દીધાના પણ આક્ષેપો થયા હતા. આમ છતાં વિજય નહેરાએ ઢોરવાડાના અધિકારીઓ તો ઠીક કારકુનને પણ નોટિસ આપી ન હતી. હાલ તો લોચન સહેરાની બદલી બાબતો નીચેના કર્મચારીઓ પણ ચર્ચા કરી રહ્યા છે.

મ્યુનિ.માં ભ્રષ્ટાચારનો ભરડો

– કમિશનર લોચન સહેરાના સમયમાં મ્યુનિ.માં ભ્રષ્ટાચાર વધ્યો.

– ખારીકટ કેનાલના ડેવલપમેન્ટનું 1200 કરોડનું કામ ચોક્કસ કોન્ટ્રાક્ટરને પધરાવાના પેંતરા રચાઈ રહ્યાંનું ચર્ચાય છે. કદાચ હવે બદલાયેલા સંજોગોમાં વિફળ જશે.

– રિસાઈકલર 53000ની શિફ્ટના ઉંચા ભાવે ભાડે લેવાની દરખાસ્ત વોટર એન્ડ ડ્રેનેજ કમિટીને બાજુએ મુકી સીધી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કરાવાઈ. CVCની ગાઈડલાઈનનો પણ ભંગ કરાયેલો છે. આ કૌભાંડની રાજ્યકક્ષાએ તપાસ થાય તેવી માગ ઉઠી છે.

– કચરામાંથી CNG બનાવવાનું કામ ઈન્દોર તરફથી એક કંપનીને જાય તે માટે કોઈ અધિકારીએ આગોતરી ગોઠવણ કરી છે. ટેન્ડરની શરતોમાં જ CVC ગાઈડલાઈનનો ભંગ છે.

– કેટલીક ફાઈલોમાં અગાઉના અધિકારીએ No લખ્યું હોય તેમાં Yes કરાવવાની બાબત પણ બહાર આવી છે. આવી પાર્ટીઓને સામેથી બોલાવવામાં આવતી હતી, તેમ કહેવાય છે.

– રોડ, બિલ્ડિંગ, પાણી, ગટરના કરોડોના કામોના ટેન્ડરોની તપાસ થાય તો ઘણું બહાર આવે તેમ છે. ખુદ વડાપ્રધાનશ્રી કહી ચૂક્યા છે કે, ભ્રષ્ટાચારની દિમકે આ દેશને કોરી ખાધો છે.

આ પણ વાંચો: Election / ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ શોધે છે સારા મુરતિયા…..