@ નિકુંજ પટેલ
New Delhi News: CAA ને લઈને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ શરણાર્થીઓ દ્વારા કેજરીવાલના ઘર બહાર પ્રદર્શન કરાતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે આ પાકિસ્તાનીઓની આટલી હિંમત, તેઓ તો જેલમાં હોવા જોઈએ. કેજરીવાલ સીએએનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓને સંદર્ભે કહ્યું હતું કે તેમને નાગરિકતા આપવાથી ચોરી, બળાત્કાર, લૂંટ અને હિંસા વધશે.
દેશમાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) લાગુ થયા બાદથી જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેને લઈને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓએ ગુરૂવારે કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે કેજરીવાલ ભડકી ગયા છે.
કેજરીવાલે એક્સ પર આ પ્રદર્શન બાબતે લખ્યું છે કે આ પાકિસ્તાનીઓની હિંમત તો જુઓ ? પહેલા આપણા દેશમાં ગેરકાનૂની રીતે ઘુસ્યા, આપણા દેશના કાનૂનો ભંગ કર્યો., તેમને જેલમાં હોવું જોઈએ. તેમની એટલી હિંમત થઈ ગઈ છે કે આપણા દેશમાં પ્રદર્શન કરી રહ્યા છે. સીએએ આવ્યા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ફેલાઈ જશે અને લોકોને પરેશાન કરશે. બીજેપી તેમને પોતાની વોટ બેન્ક બનાવવાના સ્વાર્થમાં સમગ્ર દેશને પરેશાનીમાં ધકેલી રહ્યો છે.
પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ કોંગ્રેસ મુખ્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે કારણકે કોંગ્રેસ પણ સીએએનો વિરોધ કરી રહી છે.
કેજરીવાલે સરકાર દ્વારા સીએએ લાગૂ કર્યા બાદ આ કાનૂન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ કાયદો લાગુ થયા બાદ 1947 થી પણ મોટુ માઈગ્રેશન થશે. આ કાયદો લાગુ થતા પાકિસ્તાનના લોકો ભારત આવશે, એ કેટલું સુરક્ષિત છે. તેઓ તમારા ઘરની બહાર ઝૂંપડા બનાવીને રહેશે તો શું તમને ગમશે ? એમ તેમણે કહ્યું હતું.
સીએએ પર અવારનવાર કેજરીવાલ દ્વારા સવાલ ઉઠાવાતા ગૃહમંત્રી અમિત શાહે ન્યુઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી પોતાના ભ્રષ્ટાચાર ઉઘાડા પડવાના ડરથી સંતુલન ખોઈ બેઠા છે. વધુમાં તેમણે કહ્યું કે કેજરીવાલને કદાચ ખબર નથી કે આ તમામ લોકો ભારત આવી ચુક્યા છે. ભારતમાં જ રહેવા લાગ્યા છે. બસ તેમને અધિકાર નથી મળ્યો. તેમને એ અધિકાર જ આપવાનો છે.
અમિત શાહે કહ્યું હતું કે 2014 સુધી જે બિન મુસ્લિમ શરણાર્થી ભારત આવી ગયા છે તેમને નાગરિકતા આપવાની છે. જો કેજરીવાલને એટલી જ ચિંતા છે તો તેઓ કેમ બાંગ્લાદેશી ઘુસણખોરોની વાત નથી કરતા? રોહિંગ્યા મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા ? એટલા માટે નથી કરતા કારણકે વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
